તહેવારો પહેલાં ઓગસ્ટથી જનતાને મોંઘવારીનો ઝાટકો
ચા, ટીવી, કારથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી 8% ભાવવધારો
પશ્ચિમ એશિયાનું યુદ્ધ, મોંઘા ફ્રેટ અને કાચા માલની અછતથી કંપનીઓનો નિર્ણય
મેમરી ચિપથી લઈને ખાદ્ય તેલ સુધીના ખર્ચમાં વધારો કારણભૂત
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ દેશના કરોડો ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગવાનો છે. દૈનિક વપરાશની વસ્તુઓ (FMCG), ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને બ્રાન્ડેડ ગાર્મેન્ટ્સ સહિત અનેક ક્ષેત્રોમાં 4થી 8 ટકા સુધીનો ભાવવધારો થવાની તૈયારી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે કાચા માલની સપ્લાયમાં વિક્ષેપ, દરિયાઈ માલવાહક ભાડાંમાં ભારે વધારો અને રૂપિયાના અવમૂલ્યનના કારણે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો હોવાથી મોટી કંપનીઓએ ગ્રાહકો પર વધારાનો બોજ નાખવાનો નિર્ણય લીધો છે.
આ વર્ષ દરમિયાન અનેક કેટેગરીમાં આ ત્રીજો ભાવવધારો બનશે. ખાસ કરીને પેક્ડ ચા, હેર ઓઈલ, રેફ્રિજરેટર, ટેલિવિઝન, સ્માર્ટફોન, બ્રાન્ડેડ કપડાં અને પેસેન્જર કારની કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. કંપનીઓનું માનવું છે કે ઓણમથી શરૂ થતી તહેવારોની ખરીદી પહેલાં જ ભાવવધારો અમલમાં મૂકી દેવામાં આવે, જેથી નવરાત્રિ અને દિવાળીની સીઝનમાં વેચાણ પર ઓછી અસર પડે.
ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પહેલેથી જ ભારે દબાણમાં છે. મેમરી ચિપ સહિતના ઇલેક્ટ્રોનિક ઘટકોના ભાવ છેલ્લા કેટલાક મહિનામાં અનેકગણા વધી ગયા છે. પરિણામે ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવા ઉત્પાદનો ફરી મોંઘા બનશે. ચાલુ વર્ષે ટીવીના ભાવમાં લગભગ 15 ટકા અને અન્ય હોમ એપ્લાયન્સિસમાં 10 ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. હવે ઓગસ્ટથી ફરી 4થી 6 ટકા વધારો થવાની સંભાવના છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ ગ્રાહકોને મોટો ફટકો પડશે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઓગસ્ટથી વિવિધ મોડલની કાર પર રૂ.30,000 સુધીનો વધારો કરશે. હોન્ડા કાર્સ પણ નવા દર અમલમાં મૂકાશે, જ્યારે મર્સિડીઝ-બેન્ઝે રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને આગામી ક્વાર્ટરમાં ભાવવધારાના સંકેત આપ્યા છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તો તાજેતરમાં જ કિંમતોમાં વધારો કરી દીધો છે.
ફેશન અને ગાર્મેન્ટ્સ ઉદ્યોગ પણ મોંઘવારીથી બચી શક્યો નથી. કેલ્વિન ક્લેઈન અને ટોમી હિલફિગર જેવી બ્રાન્ડ્સનું વેચાણ કરતી કંપનીઓએ નવા સ્ટોક પર ભાવ વધારવાની તૈયારી દર્શાવી છે. અત્યાર સુધી જૂના સ્ટોકના કારણે જૂના ભાવ જાળવી રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે મોંઘા ભાવે ખરીદાયેલા નવા માલના કારણે ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડશે. રોજિંદા વપરાશની વસ્તુઓ બનાવતી કંપનીઓ પણ ખર્ચના વધતા દબાણનો સામનો કરી રહી છે. રાઈ, બદામ તેલ, પ્લાસ્ટિક, પેકેજિંગ મટીરીયલ અને પેટ્રોલિયમ આધારિત કાચા માલના વધેલા ભાવને કારણે ચા, હેર ઓઈલ સહિત અનેક FMCG ઉત્પાદનો મોંઘા બનવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો આગામી મહિનાઓમાં મોંઘવારીનું દબાણ યથાવત્ રહી શકે છે અને તેની સીધી અસર સામાન્ય પરિવારના માસિક બજેટ પર પડશે.
સૌથી વધુ કઈ વસ્તુઓ મોંઘી થશે?
* પેક્ડ ચા અને હેર ઓઈલ
* ટીવી અને રેફ્રિજરેટર
* વોશિંગ મશીન
* બ્રાન્ડેડ કપડાં
* સ્માર્ટફોન
* પેસેન્જર કાર
ભાવવધારાના મુખ્ય પાંચ કારણો
* પશ્ચિમ એશિયામાં યુદ્ધથી સપ્લાય ચેઇન પ્રભાવિત
* દરિયાઈ ફ્રેટ ચાર્જમાં વધારો
* કાચા માલની અછત
* રૂપિયાનું અવમૂલ્યન
* પેકેજિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા બન્યા
ઓટો સેક્ટરમાં કોની કેટલી અસર?
* મારુતિ સુઝુકી : રૂ.30,000 સુધી ભાવવધારો
* હોન્ડા : 1 ઓગસ્ટથી નવા ભાવ
* મર્સિડીઝ-બેન્ઝ : આગામી ક્વાર્ટરમાં વધારો
* ટાટા મોટર્સ અને મહિન્દ્રા : પહેલેથી જ ભાવ વધારી ચૂક્યાં
ઇલેક્ટ્રોનિક્સ કેમ મોંઘા બન્યા?
મેમરી ચિપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકોના ભાવ છેલ્લા 8-9 મહિનામાં અનેકગણા વધ્યા છે. ક્રૂડ ઓઈલ આધારિત કાચા માલ અને આયાત ખર્ચમાં વધારો થતાં ટીવી, ફ્રિજ અને અન્ય હોમ એપ્લાયન્સિસના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.
તહેવારો પહેલાં કંપનીઓની રણનીતિ
ઓણમ, નવરાત્રિ અને દિવાળી પહેલાં જ ભાવવધારો અમલમાં મૂકીને કંપનીઓ તહેવારો દરમિયાન સ્થિર કિંમતો સાથે વેચાણ વધારવા માંગે છે. ડિસ્કાઉન્ટ ઓફર દ્વારા ગ્રાહકોને આકર્ષવાની પણ તૈયારી ચાલી રહી છે.
સામાન્ય ગ્રાહકના બજેટ પર શું અસર?
જો ચા, તેલ, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને વાહનોના ભાવ એકસાથે વધશે તો મધ્યમવર્ગના પરિવારનું માસિક બજેટ વધુ દબાણમાં આવશે. ખાસ કરીને તહેવારોની ખરીદી કરનારા પરિવારોને અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે ઘરખર્ચનું આયોજન ફરી ગોઠવવું પડી શકે છે.


