મહેસુલ વિભાગના વર્ગ-3ના કર્મચારીની આંતરીક બદલીની સત્તા હવે કલેકટરને
નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવા પણ DMને સૂચના
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તાઓ હવે સીધી સંબંધિત જિલ્લા કલેક્ટરને પણ સોંપવામાં આવી છે. જ્યારે, જે તે ખાતાના વડાની બદલીઓ અંગેની મૂળ સત્તા યથાવત રહેશે.
રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રનું સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા. હવે રાજ્ય સરકારે કલેક્ટર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં બદલીની સત્તાઓ સોંપતો નિર્ણય કર્યો છે.
અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે કલેક્ટર મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓ જેવા કે, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે. આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે. દા.ત. સેટલમેન્ટ કમિશનર તાબા હેઠળના સર્વેયરની બદલી તેમની જ કચેરીમાં થશે, નોંધણી સર નિરીક્ષક કે સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરી શકાશે નહીં. કલેક્ટર દ્વારા બદલી કરતી વખતે સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારી સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે, જેથી કચેરીઓની રોજબરોજની કામગીરી ખોરવાય નહીં. આ બદલીઓ કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગના પ્રવર્તમાન બદલી નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


