પાટડીમાં કુદરતી હાજતે ગયેલી ૧૬ વર્ષની સગીરા પર ૫૮ વર્ષિય ઢગાનું દુષ્કર્મ
એકલતાનો લાભ લઇ કૃત્ય કરનાર નરાધમ શખ્સની અટકાયત
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
પાટડી પંથકમાં એક શરમજનક અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સ્મશાન પાસે કુદરતી હાજતે ગયેલી 16 વર્ષીય સગીર યુવતીને એકલતાનો લાભ લઈને નિશાન બનાવનાર 58 વર્ષીય નરાધમને પાટડી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર 16 વર્ષીય સગીર યુવતી સ્મશાન નજીક કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન ત્યાં અગાઉથી હાજર રહેલા પ્રહલાદ સોમાભાઈ ઠાકોર નામના શખ્સે યુવતીને એકાંતમાં જોઇને અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ યુવતીને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી તે ડરીને ચૂપ રહે.
ઘટના બાદ ડરાયેલી-ધમડાયેલી સગીરાએ ઘરે પહોંચીને આખી આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી. પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક પરિવારજનોએ પાટડી પોલીસ મથકે પહોંચીને સમગ્ર મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગંભીરતા દાખવીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ 58 વર્ષીય આરોપી પ્રહલાદ સોમાભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો.


