વઢવાણના નગરા ગામની નદીમાં ડૂબતા ચારના મોત
ન્હાવા સમયે મસ્તી કરતા-કરતા ઊંડા પાણીમાં ગરક થતા રાજસ્થાનના ચાર મિત્રોને કાળ ભેટયો
સોલાર પ્લાન્ટમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા : ન્હાયા બાદ સોમનાથ દર્શન જવાના હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા મૂળ રાજસ્થાનના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા આ પાંચ મિત્રો મોરબીથી નગરા ખાતે નહાવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાના હતા.
જોરાવરનગરના ઇન્ચાર્જ પીએસઆઈ એમ. આર. ગોહિલે જણાવ્યું કે, પાંચ મિત્રોમાંથી એક યુવક નદીની પાળે બેસીને નહાતો હતો, જ્યારે અન્ય ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કિનારે રહેલા યુવકે બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ નદીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરી ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
જોરાવરનગર પોલીસે ચારેય મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. નાહ્યા બાદ સોમનાથ દર્શને જવાનું આયોજન કરતા યુવકો સાથે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનો અને મિત્રોમાં શોકમાં ગરકાવ થયા.
કાલુરામ રાજુરામ ભીલે જણાવ્યું હતું કે, અમે પાંચ લોકો હતા. હું કપડા ધોવા બહાર રહ્યો અને બાકીના નહાવા પડ્યા હતા. તેઓ મસ્તી કરતાં કરતાં ઊંડા પાણીના વહેણમાં ડૂબી ગયા હતા. મે બૂમાબૂમ કરતા અને કરણસિંહ ભાટીને ફોન કરતા ગ્રામજનોનું 200 લોકોનું ટોળું ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને મૃતદેહ શોધી બહાર કાઢવામાં આવ્યા હતા.
વઢવાણ તાલુકાના નગરા ગામે નદીમાં નહાવા ગયેલા રાજસ્થાનના પાંચ યુવકમાંથી ચાર યુવાનના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. મોડી રાત્રે પીએમ કર્યા બાદ રાજસ્થાનથી એમના પરિવારજનો આવતાં ચારેય યુવાનોની ડેડબોડી સોંપવાની કામગીરી કરાઇ હતી.
તાજેરમાં પડેલા વરસાદમાં ઉમઈ નદી તરીકે ઓળખાતા વિસ્તારમાં વહેણમાં ઊંડા ખાડાઓમાં પાણી ભરાયા છે. જેમાં પાણીના કારણે ખાડા કેટલો ઉંડો હોય તે ખબર ન પડે. જ્યારે નદીની માટી ચીકણી હોવાથી ઘણી વખત તેમાં ખુપી પણ જવાતું હોય છે. આ યુવાનો યુવક મૂળ રાજસ્થાનના વતની હતા. જેથી તેને સ્થાનિક નદી કે ખુલ્લા ખાડાઓની ઊંડાણ અંગે પૂરતી જાણકારી ન હોવાની શક્યતા છે. આથી અકસ્માતે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા.
મૃતકોના નામ
મોહનલાલ વેનારામ ચૌધરી (ઉ.વર્ષ 21, રહે. મંગલેકી બેરી બાડમેર, રાજસ્થાન)
જીવારામ કહેરામ ચૌધરી (ઉ.વર્ષ 26, રહે ટાંચી નીલોર, રાજસ્થાન)
રમેશકુમાર વિરમારામ ચૌધરી (ઉ.વર્ષ.21, ગામ કુભીય, તા.દુધવા ઝાલોર, રાજસ્થાન)
ખુશારામ ગંગારામ ચૌધરી (ઉ.વર્ષ 20, ગામ ચાખુ, જિ.લોદી, રાજસ્થાન)


