મારવાડી યુનિવર્સિટી દ્વારા ધ કિરણ બેદી સ્કોલરશિપ શરૂ કરવાની જાહેરાત
ડૉ. કિરણ બેદીએ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને મહિલા પોલીસ અધિકારીઓ સાથે લીડરશિપ, એથિક્સ અને મહિલા સશક્તિકરણ અંગે કરી વાતચીત
અગ્ર ગુજરાત, રાજકોટ
મારવાડી યુનિવર્સિટીમાં આજે ભારતીય પોલીસ સેવામાં જોડાનાર દેશનાં પ્રથમ મહિલા અધિકારી અને પુડુચેરીનાં ભૂતપૂર્વ ઉપરાજ્યપાલ ડૉ. કિરણ બેદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને મહિલા પોલીસ અધિકારીઓ સાથે લીડરશિપ, એથિક્સ અને મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર વાતચીત કરી હતી. આ દરમિયાન યુનિવર્સિટીએ પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓને હાયર એજ્યુકેશન માટે પ્રોત્સાહન અને સહયોગ આપવાના હેતુથી ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ડૉ. કિરણ બેદીના આ સેશનમાં યુથ લીડરશિપ, નાગરિક જવાબદારી અને શૈક્ષણિક શ્રેષ્ઠતા જેવા વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં એવા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો, જેઓ પોતાની કારકિર્દી દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા ઇચ્છે છે. આ ઉપરાંત, પોતાનાં બાળકોનાં સપનાંને સાકાર કરવામાં સહયોગ આપતા પેરેન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને જાહેર સુરક્ષાની જવાબદારી નિભાવતી સ્થાનિક મહિલા પોલીસ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ ડૉ. કિરણ બેદીના યોગદાન અને જીવનપ્રવાસને સન્માનિત કરવાની એક પહેલ છે. તેમણે વર્ષ 1972માં ભારતીય પોલીસ સેવા (IPS)માં દેશનાં પ્રથમ મહિલા અધિકારી તરીકે પ્રવેશ કર્યો હતો. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે પોલીસિંગ, જેલ સુધારણા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનાં ક્ષેત્રોમાં કામ કર્યું હતું. વર્ષ 2016થી 2021 સુધી તેમણે પુડુચેરીનાં ઉપરાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.
આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, “ડૉ. કિરણ બેદીનું સ્વાગત કરવું એ સમગ્ર મારવાડી યુનિવર્સિટી પરિવાર માટે ખાસ અવસર છે. તેમની ઉપસ્થિતિ અમારા સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને પોલીસ અધિકારીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવા પાછળનો અમારો હેતુ આ પ્રેરણાને એવી પહેલમાં બદલવાનો છે, જેની લાંબા સમય સુધી સકારાત્મક અસર રહે. આ સ્કોલરશિપ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓને હાયર એજ્યુકેશન માટે જરૂરી સંસાધનો અને સહયોગ મળી શકશે, જેથી તેઓ આગળ વધીને પડકારોનો સામનો કરી શકે અને લીડરશિપની ભૂમિકા નિભાવી શકે.”
સ્કોલરશિપ માટેની પાત્રતા, એપ્લિકેશન પ્રોસેસ અને પસંદગીની સમયમર્યાદા અંગેની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.marwadiuniversity.ac.in અને એડમિશન ઑફિસમાંથી મેળવી શકાશે.


