સદભાવના બળદ આશ્રમમાં 8000નો નિભાવ: સબસીડી રૂ.100 કરવાની માંગણી
દુષ્કાળ જેવી સ્થિતીથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો બળદો મૂકી ગયા : ભવિષ્યમાં 1 લાખ બળદોને આશ્રય આપવા સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતો માટે પોતાના પશુઓની સંભાળ રાખવી મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતો પાણી અને ઘાસચારાની અછતને કારણે પોતાના વહાલસોયા બળદોને સાચવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ નજીક આવેલા સદભાવના બળદ આશ્રમ ખાતે છેલ્લા 20 દિવસમાં જ આશરે 6,000 બળદોનો ઉમેરો થયો છે.
સદભાવના બળદ આશ્રમના સેવાકાર્યમાં આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બળદોને આશ્રય આપવાની પહેલ કરવામાં આવી છે. આશ્રમના જણાવ્યા મુજબ, અગાઉ આશ્રમમાં આશરે 1,500થી 2,000 બળદોની સંખ્યા જળવાતી હતી. ત્યારબાદ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં બળદો આવવા લાગ્યા અને છેલ્લા 20 દિવસમાં જ આશરે 6,000 બળદોનો ઉમેરો થયો. પરિણામે આશ્રમમાં આશ્રિત બળદોની સંખ્યા 8,000થી વધુ થઈ છે.
સદભાવના બળદ આશ્રમનો લાંબા ગાળાનો સંકલ્પ ગુજરાતમાં નિરાધાર અને અસહાય બળદોને વધુ વ્યાપક પ્રમાણમાં આશ્રય આપવાનો છે. સંસ્થા સાથે જોડાયેલા સંચાલકોના જણાવ્યા મુજબ, ટુંક સમયમાં આશરે એક લાખ બળદોને સાચવી શકાય તેવી ક્ષમતા વિકસાવાય રહી છે. આ માટે વધારાની જમીન અને સુવિધાઓ વિકસાવાય રહી છે.
આવા વિશાળ લક્ષ્યને સાકાર કરવા માટે સતત આયોજન, યોગ્ય માળખાકીય સુવિધાઓ, પાણી અને ઘાસચારાની પૂરતી ઉપલબ્ધતા, સારવારની વ્યવસ્થા, સેવાકર્મીઓ તથા સમાજના સહયોગની જરૂર પડશે. બળદોની સંખ્યા વધે તેમ તેમની દૈનિક જરૂરિયાતો અને સંભાળની જવાબદારી પણ વધશે. તેથી આ સંકલ્પ માત્ર આશ્રય આપવાનો જ નહીં, પરંતુ દરેક બળદને નિયમિત ભોજન, પાણી, સુરક્ષા અને જરૂરી સંભાળ ઉપલબ્ધ કરાવવાનો છે.
સંસ્થાની ભાવના છે કે કોઈ બળદને મજબૂરીના કારણે રસ્તા પર રખડવું ન પડે અને તેને નિરાધાર સ્થિતિમાં છોડવો ન પડે. આ દિશામાં સમાજના સહયોગથી વધુ સુવ્યવસ્થિત અને વ્યાપક સેવા વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સદભાવના બળદ આશ્રમ, રાજકોટ સ્થળ: કાલાવડ રોડ, ખીરસરા અને દેવગામની ધાર, ગુફેશ્વર મહાદેવ મંદિર નજીક, ભૂમિ એગ્રોની પાછળ, રાજકોટ મો. : 8530430096/8320408908 અને દાન માટે MANAV SEVA CHARITABLE TRUST Bank: IDFC FIRST Bank A/C No.: 10166040246 IFSC Code: IDFB0042421 Branch: Rajkot Branchમાં આર્થિક દાન જમા કરાવવા યાદીમાં જણાવ્યું છે.


