જૂનાગઢમાં અશોક શિલાલેખ નજીક ચાર સિંહોનો મસ્તીનો વીડિયો વાયરલ
નિંદ્રાધીન વેપારી પાસેથી બિન્દાસ નીકળ્યા : વન વિભાગ દ્વારા જંગલ તરફ ખસેડાયા
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહોનો કાયમી વસવાટ હોવાથી ખોરાકની શોધમાં અવારનવાર રેવન્યુ તેમજ રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. દરમિયાન અશોક શિલાલેખ નજીક આવેલા સોનાપુરી સ્મશાન ચોકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે ચાર સિંહો બિન્દાસ રીતે લટાર મારતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વાઇરલ સીસીટીવી ફૂટેજમાં રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના સુમારે સોનાપુરી વિસ્તારમાં આવેલી એક દુકાનની બહાર દુકાનદાર ભરઊંઘમાં સૂતેલો જોવા મળે છે. આ જ સમયે તેમની સાવ નજીકથી ચાર સિંહો કોઈ પણ ડર વગર શાંતિથી પસાર થાય છે. દુકાનદાર ગાઢ નિંદ્રામાં હોવાથી તેમને આ અંગે સહેજ પણ જાણ થઈ નહોતી. રાત્રિના આ સમયે રસ્તા પરથી વાહનચાલકોની અવરજવર પણ વીડિયોમાં જોવા મળી રહી છે.
સોનાપુરી સ્મશાન નજીક આંટાફેરા માર્યા બાદ આ ચારેય સિંહો અશોક શિલાલેખ નજીક પહોંચ્યા હતા અને ત્યાં આવેલી દીવાલ પર ચડીને મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા. અશોક શિલાલેખ અને સોનાપુરી ચોક જેવા વિસ્તારમાં સિંહો આવ્યાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગના સ્ટાફે સમયસૂચકતા દાખવીને ચારેય સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.


