- શ્રીલંકા સામે ભારતની શાનદાર જીત
- ભારતીય ટીમે 302 રને મેળવી જીત
- શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ
વર્લ્ડકપની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ભારતના આ મોટા ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેના બંને ઓપનર પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયા હતા.
3 રનમાં 4 ખેલાડી થયા હતા આઉટ
શ્રીલંકાની ટીમની વિકેટો પડવાનો ક્રમ આટલેથી અટક્યો ન હતો અને તેણે માત્ર 3 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાના આ 3 રનમાંથી માત્ર 1 રન બેટથી બન્યો હતો અને બાકીના 2 રન એક્સ્ટ્રા તરીકે આવ્યા હતા. આવું પહેલી વખત નથી કે ઓછા સ્કોરમાં વધુ વિકેટ પડી હોય. આ યાદીમાં પાકિસ્તાનનું નામ ટોચ પર છે. પાકિસ્તાને 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 1 રન બનાવીને 4 વિકેટ ગુમાવી હતી.
શ્રીલંકાના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો
આ યાદીમાં બીજા સ્થાને શ્રીલંકાની ટીમનું નામ આવે છે. શ્રીલંકાએ 2023માં એટલે કે આજે ભારત સામે બેટિંગ કરીને માત્ર એક રન બનાવ્યો હતો અને ટોચની ચાર વિકેટો ગુમાવી હતી. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને આયરલેન્ડ છે. આયરલેન્ડે 2007માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 2 રન બનાવીને ટોચની ચાર વિકેટ ગુમાવી હતી. આ યાદીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નામ ફરી એકવાર ચોથા નંબર પર આવે છે. પાકિસ્તાને 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 3 રન બનાવીને 4 વિકેટ ગુમાવી હતી.
શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ
આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમનું નામ આ યાદીમાં પાંચમા સ્થાને છે. ઈંગ્લેન્ડે 2018માં ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરીને માત્ર 3 રન બનાવીને 4 વિકેટ ગુમાવી હતી. જો કે આજની મેચની વાત કરીએ તો ભારતના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ છે અને ભારતે 302 રનથી મેચ જીતી છે. આ વર્લ્ડકપમાં ભારતની સૌથી મોટી જીત અને વર્લ્ડકપ ઈતિહાસની બીજી સૌથી મોટી જીત બની છે.