બેવડી મૌસમ, રાતે ઠંડી, દિવસે બફારો
રાજકોટમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનમાં ઘટાડો, ૧૮.૬ ડિગ્રી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો પારો યથાવત્ રહેતાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગત રાત્રે લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ, રાજ્યના છ જેટલા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં વહેલી સવારે અને રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવત જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન તડકો અને ગરમીનો અનુભવ થાય છે, જ્યારે સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.
શુક્રવારે રાજકોટમાં દિવસનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયુ હતું. જે સામાન્ય કરતાં થોડું વધારે હતું. જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન ઘટીને 20.2 ડિગ્રી પર પહોંચ્યું હતું. આમ, દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકના કારણે શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે રાત્રે વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાનના વર્તમાન અનુમાન મુજબ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. તાપમાનનો પારો હાલની આસપાસ રહેવાની સંભાવના હોવાથી રાજ્યના લોકોને રાત્રે અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થતો રહેશે.
જોકે, દિવસ દરમિયાન તડકો અને ગરમીનો અનુભવ યથાવત્ રહી શકે છે. આમ, નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડક તથા બપોરે ગરમી એમ બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે.


