ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
હાર્વર્ડ યુનિવર્સિટી-બોસ્ટન અમેરિકાની ધરતી પરથી બાપુની રામકથા ‘માનસ ગુરૂપ્રસાદ’નો શુભ-મંગલ પ્રારંભ
દરેક વ્યકિતના ખિસ્સામાં એક ‘પ્રેમ પંચાંગ’ હોવું જોઇએ
આપણે બીજુ બધું જ કરીએ છીએ, પ્રેમ નથી કરતાં!!!
વિશ્વની જૂની વિશ્વ વિદ્યાલયોમાં જેનું નામ અગ્રેસર છે એવી ઐતિહાસિક હાર્વર્ડ યુનિવર્સિટી (બોસ્ટન-અમેરિકા)ના મેમોરિયલ હોલમાં ગયા શનિવારથી બાપુની રામકથા ‘માનસ ગુરૂપ્રસાદ’નો દિવ્ય-શુભ-મંગલમય પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસની કથાનો પ્રેમસંવાદ અને ભૂમિકારૂપ સંવાદમાં બાપુએ કહ્યું હતું કે આજથી વિશ્વ વિખ્યાત એવી હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયમાં રામકથા ગાનનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે કોઇએ મને કહ્યું કે બાપુ આ ઐતિહાસિક ઘટના થઇ રહી છે પણ મારી દ્રષ્ટિએ આ કોઇ ઇતિહાસ રચવા માટે નહીં પણ તુલસીદાસજીના રામચરિત માનસનું અધ્યાત્મ અનુષ્ઠાન-નવદિવસીય આધ્યાત્મિક અનુષ્ઠાન શરૂ થઇ રહ્યું છે. તુલસીના રામાયણને સાહિત્ય જગત મહાકાવ્ય કહે છે, એને છે જ પણ આ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે. આ ગ્રંથ સદગ્રંથ છે એટલું જ નહીં પણ માનસ વૈશ્વિક-ત્રિભુવનિય સદગ્રંથ છે.
આપણને કેટકેટલી ગ્રંથિઓનો પરિચય છે પણ આપણને ગ્રંથોનો પરિચય નથી. લઘુતાગ્રંથિ, ઇર્ષાગ્રંથિ, ગુરૂતા ગ્રંથિ એવી ગ્રંથિઓથી ઘેરાયેલા છીએ પણ ગ્રંથોનો પરિચય નથી કરતા!! પં.જવાહરલાલ નહેરૂએ ‘’ડીસ્કવરી ઓફ ઇન્ડિયા’ નામનો એક ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથ એમણે વિનોબાજીને મોકલ્યો અને કહ્યું કે બાબા, આ આપ તપાસી લો અને આપના કોઇ સૂચન હોય તો મને જણાવો. વિનોબાજીએ ગ્રંથ વાંચ્યો અને નહેરૂને સ્પષ્ટ કહ્યું કે પંડિતજી, આ ગ્રંથમાં તમે એમ લખ્યું છે કે ‘અકબરના સમયમાં તુલસીદાસજી થયાં’ એને બદલે એવું લખવું જોઇએ કે ‘તુલસીદાસજીના સમયમાં અકબર થયા’ આ છે વિનોબાજીની દ્રષ્ટિ લોકો-આમપ્રજા-શાસકોને ભૂલી જાય છે પણ સર્જકોને જ હંમેશા યાદ રાખે છે.
ગઇકાલે (રવિવાર) કથાના પ્રારંભે, આ કથામાં તુલસી જયંતી મહોત્સવ અવસરે પધારેલા કથાકારો, વકતાઓ, તુલસી સાહિત્યના વિધ્વાનો વગેરેના વકતવ્યો યોજાશે. દરરોજ સાંજે પણ વકતવ્યોનું આયોજન છે. ગઇકાલે જાણીતા કથાકાર-વકતા યદુનાથ ગોસ્વામી એ પોતાનું સંક્ષિપ્ત વકતવ્ય પ્રસ્તુત કર્યુ હતું. રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે તલગાજરડાએ એક ‘ગુરૂ સપ્તક’ રહ્યું છે, એટલે કોઇ કવિતા નથી પણ મારી દ્રષ્ટિએ ગુરૂ કેવા હોવા જોઇએ એનું ગુરૂ સપ્તક છે. (૧) ધર્મગુરૂ (૨) વર્મ ગુરૂ (3) નર્મગુરૂ (૪) કર્મગુરૂ (૫) મર્મગુરૂ (૬) ચર્મ ગુરૂ અને (૭) શર્મ ગુરૂ…
બૃધ્ધના શિષ્ય આનંદના જીવનની એક ઘટના છે. આનંદ વન વિહાર કરી રહ્યો હતો., આનંદને તરસ લાગે છે. રસ્તામાં એક કૂવો આવે છે, કૂવા કાંઠે એક સુંદર સ્ત્રી પાણી ભરી રહી છે. આનંદ એ સ્ત્રી પાસે જાય છે અને કહે છે કે મને પાણી પાશો? ત્યારે પે’લી આનંદને કહે છે કે હું પછાત જાતિનું છું. આનંદ કહે છે મેં તમારી જાત નથી પૂછી મેં તો પાણી માંગ્યું છે. એ સ્ત્રીનું નામ પ્રકૃતિ હતુ. પ્રકૃતિને તો આનંદ નહી જ ભેટ થાયને ! બને છે એવું કે એ સ્ત્રી આનંદને પ્રેમ કરવા લાગે છે. પ્રકૃતિને આનંદ સાથે પ્રેમ થાય છે. એને કયાંય ગમતું નથી. ખાતી-પીતી નથી. પ્રકૃતિની માતા બૃધ્ધ પાસે જાય છે અને બૃધ્ધને કહે છે, મારી દિકરી પ્રકૃતિ આનંદને પ્રેમ કરે છે તમે એને સમજાવોને? બૃધ્ધ આનંદને જ કહે છે કે આનંદ, તું જ પ્રકૃતિને સમજાવ. પછી તો આનંદ પ્રકૃતિને ખૂબ સારી રીતે સમજાવે છે અને પ્રકૃતિ પણ સભાન થઇ જાય છે અને એને સાચી સમજ આવે છે. કહેવાનો અર્થ, કોઇનો ક્ષણિક સંગ માણસમાં આમૂલ પરિવર્તન લાવે છે.
‘માનસ ગુરૂપ્રસાદ’ રામકથા માટે બાપુએ માનસની આ ચોપાઇઓ-પંકિતઓ, નિશ્ચિત કરી છે….
ગુરૂપ્રસાદ સબ જાનિઅ રાજા,
કહિઅ ન આપન જાતિ આકાશા.
મખ રઅવારી કરિ દુહું ભાઇ,
ગુરૂપ્રસાદ સબ વિદ્યા પાઇ.
સહિત સમાજ તુમ્હારા હમારા, ઘર બન ગુરૂપ્રસાદ રખવારા.
કથારત્નો
(૧) સાધુએ છે જેને નિરંતર આનંદ જ હોય, નિરંતરાનંદ!
(૨) માનસમાં ‘પ્રસાદ’ શબ્દ ચોત્રીસ વખત પ્રયોજાયો છે
(3) એક પાદરી સાધુ (જહોન હાર્વર્ડ)ની યુનિવર્સિટીમાં એક માર્ગી સાધુની રામકથા થાય તો એમા આશ્ચર્ય નથી.
(૪) ભગવાનની કથા ચિત્ત વિરોધ કે નિરોધ કરીને નહીં પણ ચિત્તને અનુરોધ કરીને સાંભળો!
(૫) વાદી પાસે નાગ હોય છે જયારે સંવાદી પાસે ફાગ હોય છે
(૬) વિકાસ હંમેશા વિશ્રામદાયક હોવો જોઇએ
(૭) આપણે પૂજન કરીએ છીએ પણ સેવન નથી કરતાં!!!
(૮) આપણને ગ્રંથિઓનો પરિચય છે, પણ ગ્રંથોનો સદગ્રંથોનો પરિચય નથી કરતાં!
(૯) એક હળવી વાત: પંદરમી ઓગષ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો ને…..મારા લગ્ન થયાં..!!!


