જૂનાગઢમાં ઉચ્ચ શિક્ષીત દંપતિનો ઘરકંકાસમાં માળો વિખાયો
મે મારી ઘરવાળીને મારી નાખી છે, પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ આપઘાત
વોટસએપમાં અંતિમ સ્ટેટસ મૂકી જીંદગી ટૂંકાવી લીધી : છ મહિનાથી પરેશાન ગયો હોવાથી પગલુ ભર્યાની વીડિયોમાં કબૂલાત કરી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના કેશોદના યુવકના પત્નીની હત્યા કર્યા બાદ આપઘાતની ઘટના સામે આવી છે. 4 વર્ષના લગ્નજીવનમાં ઘરકંકાસથી કંટાળેલા અર્બન હેલ્થ સેન્ટરના લેબ ટેકનિશિયન (કોન્ટ્રાક્ટ બેઝ) 27 વર્ષીય ગિરીશ બાલસેએ પત્ની વિજ્યાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ વોટ્સએપમાં છેલ્લુ સ્ટેટસ મૂકી પોતે વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. કેશોદ ટાઉનની સુમન સોસાયટીમાં રહેતા મૃતકે આપઘાત પહેલા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
મળતી માહિતી મુજબ કેશોદ ફાટક પાસે ટ્રેન નીચે કપાયેલો યુવાનનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસને સ્થળ પરથી મૃતક ગિરીશ બાલસેનો ફોન મળ્યો હતો. મોબાઈલ અનલોક કરતા તેમાંથી એક વીડિયો મળ્યો હતો. જેમાં ગિરીશે પોતે આપઘાત કરવા જતો હોવાની અને ભાડાના મકાનમાં પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
વીડિયોના આધારે પોલીસ સુમન સોસાયટી સ્થિત ભાડાના મકાને પહોંચી હતી. જ્યાં દરવાજો બહારથી લોક હતો. પરિવારજનો અને સ્થાનિક પંચોની હાજરીમાં દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરતા રૂમમાંથી પત્ની વિજ્યાની લાશ મળી હતી. તેના ગળાના ભાગે નિશાન હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ ગળું દબાવી હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે પંચમાનું કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અંતિમ વીડિયોમાં આપ વીતી
હું ગિરીશ બાલસ,
મેં મારી ઘરવાળીને મારી નાખી છે. આમ તો મારી નાખી ન કહેવાય, મેં એનો વધ કર્યો. કેટલા દિવસ… છ મહિના થયા, વર્ષ દિવસ રિસામણે રહી. અમે લઈ આવ્યા એને છ મહિના થયા. છ મહિનાથી અહીં કેશોદ અલગ રહ્યો. એના જ મનનું ધાર્યું કરતી હતી. છ મહિનાથી હું મરી મરીને જીવું છું. આવી જિંદગી કરતા તો મરી જવું સારું. મારે એને મારવાનો કોઈ ઈરાદો નહોતો. મારે એનો જીવ લેવાનો કોઈ હક નથી. મેં એને કહ્યું હતું કે, જો આવું ને આવું રહ્યું તો હું મરી જઈશ. તો કહ્યું મરી જા વાંધો નહીં. તારા ઘરનાને કહીં દેજે મને મારું કરિયાણું અને મારું બધુ પૂરું કરે આખી જિંદગી. હું શું કરું? છેલ્લે મેં આવો નિર્ણય કર્યો કે હવે એનો વધ કરી હું પણ જતો રહું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ મારી નાખી છે અને થોડીવારમાં ટ્રેન આવેલ એટલે હું મરી જવાનો છું. મેં મારી પત્નીને મારી એની તમામ જવાબદારી હું લઉં છું. એમાં બીજા કોઈનો હાથ નથી. ના કોઈએ મને ઉશ્કેર્યો નથી. બસ એનો એટલો અત્યાચાર વધી ગયો હતો. એના અત્યાચારના વીડિયો-ફોટો મારી પાસે એક એક વસ્તુનું બધુ જ પ્રૂફ છે. મેં એને બધી જ છૂટ આપી હતી. તારે છૂટું થવું છે હોય તો છૂટી થઈ જા. તારે બીજે જોબ કરવા જવું હોય તો જોબ કરવા જા. આપણે બે સાથે જ જીવીએ. મારે તને હેરાન કરવો છે કેમ કે, તે મારી જોબ મુકાવી છે એટલે હવે મારે જોબ નથી કરવી. મારે અહીં રહી તને હેરાન કરવો છે. મારું પૂરૂ તો તારા બાપે પણ કરવું પડશે.
હું પોલીસ સ્ટેશન પણ ગયો હતો. મારી સાથે બહુ મારા-મારી કરી છે. મારી બોડીમાં એના બટકા ભરવાના ખબાર નિશાન છે કે માણસ મરી જાય એવા નિશાન છે. એવી રીતે ઉકસાવે કે હું એને મારું. હું ઘરેથી નીકળી જતો હતો. શું કરું કાયદો જ એવો છે. મારો આ વીડિયો દિલ્હી સુધી પહોંચે તો પહોંચાડો. આ કાયદો બદલાવની જરૂર છે. અત્યારની મહિલાઓ બહુ હોશિયાર થઈ ગઈ છે. કાયદા કાનુન જાણે છે. ઘરવાળાને એવી રીતે દબાવે છે કે નથી શાંતિથી જીવવા દેતી કે નથી રહેવા દેતી. મારે એને કંઈ કહેવું પણ નથી. ભણેલી-ગણેલી હતી. મને એવી રીતે દબાવ્યો. મેન્ટલ ટોર્ચર કર્યો. મને આ વસ્તુ લાવી દે. મારી પર 35થી 40 હજારનું દેવું કરી દીધું. છતાંય મને એટલું ટેન્શન હતું કે હું શું કરું? આટલું તો એ સમજતી જ નહોતી.
એને મારી સાથે કોઈ લગાવ નહોતો. એને તો બસ એનું બધું જ જોઈતું હતું. મને હેરાન કરવો હતો. મને મોઢે કહેતી હતી કે, હું તને હેરાન કરીશ ને કરીશ. એમ પણ કહેતી કે તું પોલીસ સ્ટેશન જા. ગમે ત્યાં જા. મારું કંઈ નહીં થાય. કાલે પણ પોલીસ સ્ટેશનમાં લખાવી આવી હતી બધુ. આવીને સીધું ધમકાવવા લાગી હતી. ચપટી વગાડીને ધમકાવતી હતી કે, હું કહું એમજ થવું જોઇએ.
જો એમ નહીં થાય તો લખાણ તૈયાર જ છે. હું તારી ઉપર એફઆઇઆર કરીશ. તારા ઘરના બધાનું નામ લખીને હેરાન કરીશ અને એટલી મોટી રકમ લઈશ. ત્રણથી ચાર વાર મરવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંકને ક્યાંક હું રોકાઈ ગયો હતો કે ભાઈ હજી થોડુંક નસીબમાં હશે. હજી થોડુંક સારૂં થઈ જશે. છ-છ મહિનાથી કોઈ દિવસ કંઈ સારૂં થતું નહોતું.
આ તમામ જવાબદારી હું લઉં છું. મેં અને મારી નાખી છે. એ પાપ લઈને જીવાય એમ નથી. એનું ગળું દબાવીને મેં હત્યા કરી નાખી છે. હવે હું પણ ટ્રેનમાં કપાઈને મરી જવાનો છું. બસ આટલું જ.


