જૂનાગઢ ઓટો કન્સલ્ટ એસોસિએશન દ્વારા RTO અધિકારીને રજૂઆત
વાહન પોર્ટલની તકનીકી ખામીઓથી મુશ્કેલી : નામ ટ્રાન્સફર, એચપીએ રદ્દ કરવા, પેમેન્ટ ફેલ્યોર અને ઓટીપી સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા તથા ૨૪x૭ હેલ્પડેસ્ક શરૂ કરવા માંગણી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ ખાતે ઓટો કન્સલ્ટ એસોસિએશન દ્વારા ‘વાહન પોર્ટલ’ પર રોજેરોજ સામનો કરવી પડતી તકનીકી અને વહીવટી અડચણો અંગે જૂનાગઢ આરટીઓ (RTO) અધિકારીને લેખિતમાં વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં વાહન સંબંધિત કામગીરી ઝડપી અને સરળ બનાવવા માટે જરૂરી સુધારા કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે.
જટિલ પ્રક્રિયાઓ અને સિસ્ટમની ખામીઓથી કામગીરી ઠપ એસોસિએશન દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં હાયપોથીકેશન (HPA) રદ્દ કરવાની પ્રક્રિયા, H.P. એડિટિંગ અને નામ ટ્રાન્સફરને સરળ બનાવવાની મુખ્ય રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, પોર્ટલ પર આધાર લિંકિંગ અને ઓટીપી (OTP) પ્રક્રિયામાં આવતી ખામીઓ, વારંવાર સર્વર ડાઉન થવું, પેમેન્ટ નિષ્ફળ જવું તેમજ અપોઈન્ટમેન્ટ સ્લોટ બુકિંગમાં થતા વિલંબના કારણે અરજદારો અને કન્સલ્ટન્ટ્સને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જણાવાયું છે.
સ્થાનિક નિકાલ અને ૨૪x૭ હેલ્પડેસ્ક માટે ઓટો કન્સલ્ટ એસોસિએશનના સભ્યો સઈદ ખાન, નવીદ ખાન, મજુ બાપુ સહિતના પ્રતિનિધિઓએ માંગ કરી છે કે RTO કચેરી ખાતે સ્થાનિક સ્તરે જ અટકેલી કામગીરીનો ઝડપી નિકાલ કરવામાં આવે. રાજ્યસ્તરેથી પોર્ટલ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે ૨૪x૭ હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવે.


