વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ
જાહેર નાણાંનો ધુમાડો કરતા બેદરકારો સામે કડક કાર્યવાહીની માંગ; વિવાદિત AC મંજૂરી વિના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી લવાયાના આક્ષેપથી ખળભળાટ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં વહીવટી બેદરકારી અને જાહેર નાણાંના બિનજરૂરી વ્યયનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાલિકાના વોર્ડ નં. ૨ ના જાગૃત નગરસેવકો બસીર ગોહેલ અને નરેશ ચાવડાએ સેક્રેટરીની ખાલીખમ કચેરીમાં વીજ ઉપકરણો ચાલુ રાખી સરકારી તિજોરીને ચૂનો ચોપડવાના કારનામાનો પર્દાફાશ કર્યો છે. નગરસેવકોએ સ્થળ પર જ વીડિયો શૂટ કરીને વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે અને પુરાવા સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે આકરા પગલાં ભરવાની માંગ કરી છે.
દોઢ કલાક સુધી ખાલી કચેરીમાં પંખા-લાઈટો ચાલુ રહ્યા, વીડિયો બનતા જ કર્મચારી દોડ્યો! નગરસેવકોની રજૂઆત મુજબ, ગઇકાલે બપોરે તેઓ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે સેક્રેટરીની ચેમ્બરમાં એક પણ અધિકારી કે કર્મચારી હાજર નહોતો. આમ છતાં, કચેરીમાં લાઈટો અને પંખા અવિરતપણે ચાલુ હતા. અંદાજે દોઢ કલાક સુધી વીજળીનો આ રીતે બેફામ દુર્વ્યય થતો રહ્યો હતો. નગરસેવકોએ આ ગંભીર બેદરકારીનો વીડિયો બનાવવાનું શરૂ કરતાં જ સફાળા જાગેલા એક કર્મચારીએ દોડી આવીને ઉતાવળે લાઈટ અને પંખા બંધ કર્યા હતા.
નગરસેવકોએ ચીફ ઓફિસર સમક્ષ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે પ્રજાના કરવેરાના નાણાંમાંથી વીજ બિલ ભરાય છે, ત્યારે આવી ઘોર બેદરકારી ચલાવી લેવાય નહીં. તેમણે માંગ કરી છે કે ૨૦ ઓગસ્ટના બપોરે ૧ થી સાંજે ૫ વાગ્યા સુધીના CCTV ફૂટેજ તાત્કાલિક સુરક્ષિત કરી તપાસવામાં આવે., કચેરીમાં લગાવવામાં આવેલું AC કોની મંજૂરી, કયા ઠરાવ કે વર્ક ઓર્ડર હેઠળ લવાયું તેની તપાસ થાય. ઇન્ચાર્જ સેક્રેટરી દિગંત દવેની કચેરીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી મંજૂરી વિના AC લાવી બારોબાર ફીટ કરી દેવાયાના ગંભીર આક્ષેપો અંગે દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરાય. વીજળીના થતા આ બિનજરૂરી વ્યયને અટકાવવા તમામ શાખાઓ માટે કડક પરિપત્ર બહાર પાડવા અને દોષિતો સામે કડક દાખલો બેસાડતી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. હવે આ સમગ્ર કૌભાંડ જેવા મામલે ચીફ ઓફિસર કેવા આકરા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.


