શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો
મહાદેવને શીશ ઝુકાવવા મોડી રાત્રીથી શિવભક્તોનો પ્રવાહ ઉમટી પડયો
વ્હેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલતા સમયે ભાવિકોને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠતા વાતાવરણ શિવમય બન્યું
પ્રથમ સોમવારે મંદિર પરિસરમાં નીકળેલ પાલખીયાત્રામાં જોડાઈ શિવભક્તો ભાવવિભોર બન્યા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના સૌથી પહેલા દર્શન કરવાની અપેક્ષાએ અને ભક્તિનું ભાથું ભરવા માટે મોડીરાત્રીથી હજારોની સંખ્યામાં શિવભક્તો યાત્રાધામ નગરી સોમનાથમાં પહોંચી ગયા હતા. વ્હેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખુલતા સમયે હર હર મહાદેવ, જય સોમનાથના જયઘોષ બોલાવતા જોવા મળ્યા હતા. વ્હેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળેલ અને સમગ્ર પરિસર “હર હર મહાદેવ” તથા “જય સોમનાથ” ના નાદથી સતત ગુંજી રહ્યુ હતુ.
શ્રાવણ ના પ્રથમ સોમવારે સવારે 7 વાગ્યે મહાપૂજા અને મહાઆરતી સમયે સોમનાથ મહાદેવને સફેદ વસ્ત્રો અને ગુલાબ સહિતના વિવિધ પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. બાદમાં સવારે 8 વાગ્યાથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા સહિતની જુદી જુદી પૂજાઓનો પ્રારંભ ભાવિકોના હસ્તે પ્રારંભ થયો હતો. બાદમાં સવારે 9:30 વાગ્યે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ ટ્રસ્ટી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા સહિતનાના હસ્તે સોમનાથ મહાદેવના મુખારવિંદની પૂજા અર્ચના કરાઈ હતી. બાદમાં મહાદેવના મુખારવિંદને પાલખીમાં બેસાડીને મંદિર પરિસરમાં નગરચર્યાએ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે મંદિર પરિસ્થિતિ પરિસરમાં ઉપસ્થિત હજારો શિવભક્તોને આશીર્વાદ આપવા સ્વયં મહાદેવ આવ્યા હોય તેવી અનુભૂતિ ભાવિકોને થઈ હતી. આ પાલખીયાત્રામાં અનેક ભાવિકોને પાલખીને ઊંચકી પુણ્યનું ભાથુ બાંધવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો.પાલખીયાત્રા દરમ્યાન ભાવિકોના જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી યાત્રાધામનું વાતાવરણ શિવમય બની ગયું હતું.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા અત્યંત સુચારુ અને સફળ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી હજારો ભાવિકોની ભીડ હોવા છતાં, દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ગોઠવાયેલ વિશેષ વ્યવસ્થા જોવા મળી હતી. યાત્રિકોની સુરક્ષા અને ઝડપી પ્રવેશ માટે મોટી સંખ્યામાં ફ્રિસ્કિંગ ક્યુ ઊભી કરવામાં આવી હતી. યાત્રિકોના સામાનની સુરક્ષા માટે વિશાળ ક્લોકરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા અને દર્શનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઝીગઝેગ લાઈન વ્યવસ્થાનું સઘન પાલન કરાવવામાં આવ્યું. ટ્રસ્ટની આ આગોતરી અને ઉત્તમ વ્યવસ્થાઓના પરિણામે હજારો યાત્રીઓની ઉપસ્થિતિ છતાં તમામ ભક્તોએ અત્યંત સુલભતાથી અને શાંતિપૂર્ણ રીતે મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આવનાર તમામ ભાવિક ભક્તોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે સતત કાર્યરત છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા માટે રવિવારની મોડીરાત્રીથી જ આસપાસના તાલુકાઓ-પંથકના વિસ્તારોના રસ્તાઓ તથા હાઇવે ઉપર હજારો શિવભક્તો પગપાળા યાત્રાધામ સોમનાથ તરફ પ્રયાણ કરી આવી રહ્યાનો નજારો જોવા મળ્યા હતો. તો પગપાળા આવી રહેલા શિવભક્તો માટે રસ્તાઓ ઉપર અને સામાજીક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રુપો દ્વારા ફરાળ, ચા પાણીના સ્ટોલો ઊભા કરી અનેરી સેવા કરવામાં આવી રહી હતી.


