શિવરાજપુરની વાડીમાં વીજ કરંટનો કાળમુખો ભરડો: યુવકનું ઘટનાસ્થળે જ મોત
શોર્ટ સર્કિટથી પિતા અને બનેવી પણ કરંટની ઝપેટમાં આવ્યા; બંનેને સારવાર માટે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ખેતીકામ દરમિયાન સર્જાયેલી વીજ દુર્ઘટનામાં એક યુવાનનો ભોગ લેવાયો છે. વાડીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં હિમતભાઈ આસોદરિયાને જીવલેણ વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં તેમને બચાવવા જતાં પિતા ધીરુભાઈ અને બનેવી જયસુખભાઈ પણ કરંટની ઝપેટમાં આવી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યો સાથે બનેલી આ ઘટનાએ શિવરાજપુર અને લીલાપર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
પ્રાથમિક વિગતો મુજબ, શિવરાજપુર ગામની એક વાડીમાં પરિવારના સભ્યો ખેતીકામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજળીના શોર્ટ સર્કિટની ઘટના બની હતી. જેના કારણે હિમતભાઈ આસોદરિયાને જોરદાર વીજ કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રને કરંટ લાગતાં પિતા ધીરુભાઈ દેવજીભાઈ તેમને બચાવવા દોડ્યા હતા, પરંતુ તેઓ પણ વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગયા હતા. આ ઉપરાંત લીલાપર ગામના રહેવાસી બનેવી જયસુખભાઈને પણ વીજ કરંટ લાગતાં બંને ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને પગલે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હાલ પિતા ધીરુભાઈ અને બનેવી જયસુખભાઈની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ખેતીકામ દરમિયાન અચાનક સર્જાયેલી આ દુર્ઘટનામાં પરિવારના યુવાન પુત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક તરફ પુત્ર ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ પિતા તથા બનેવીની સારવારની ચિંતા વચ્ચે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે. બનાવ અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


