સહકાર ભારતી રાજકોટ દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન અને સહકાર સપ્તાહનો સમાપન સમારોહ સંપન્ન
વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિ
નફાની સાથે સમાજસેવા અને નિઃસ્વાર્થ મદદથી મળતો ‘આનંદ’ જ સાચી મૂડી હોવાનું મુખ્ય વક્તા નલિનભાઈ વસાનું પ્રેરક ઉદ્બોધન
જાન્યુઆરી ૨૦૨૭ના પ્રથમ સપ્તાહમાં રાજકોટ ખાતે યોજાશે ક્રેડિટ સોસાયટીનો સૌરાષ્ટ્ર-કચ્છ પ્રકોષ્ઠ અભ્યાસ વર્ગ: ડો. એન.ડી. શીલુ
અગ્ર ગુજરાત, રાજકોટ
સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા નવા વર્ષના સ્નેહમિલન અને સહકાર સપ્તાહના ગરિમાપૂર્ણ સમાપન સમારોહનું આયોજન વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં કરવામાં આવ્યું હતું. સહકાર સપ્તાહના સપ્તરંગી મહોત્સવની પ્રશિક્ષણ દ્વારા ઉજવણી બાદ તેના અંતિમ ચરણરૂપે આ સ્નેહમિલન યોજાયું હતું.
કાર્યક્રમની શરૂઆત સહકાર ભારતીની પરંપરા મુજબ “સમાજ હે આરાધ્ય હમારા, સેવા હે આરાધના…” ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા નલિનભાઈ વસા, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, સહકારી આગેવાન ટપુભાઈ લીંબાસીયા, હરગોપાલસિંહ જાડેજા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નરેન્દ્રભાઈ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ નયનાબેન મકવાણા, મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુ, ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા, કોષાધ્યક્ષ અનિરુદ્ધભાઈ નથવાણી, પ્રાંત સંયોજક પ્રવીણભાઈ નિમાવત અને આરડીસી બેંકના પૂર્વ ડિરેક્ટર યજ્ઞેશભાઈ જોષીના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.
જાન્યુઆરી-૨૭માં અભ્યાસ વર્ગની જાહેરાત મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુએ સ્વાગત પ્રવચનમાં વિવિધ સહકારી સંસ્થાઓના વિકાસમાં સહકાર ભારતીની ભૂમિકા, કેશલેસ ટ્રાન્જેક્શન અને પારદર્શક વહીવટ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સહકાર ભારતીની યાત્રાને ૫૦ વર્ષ પૂર્ણ થવામાં છે અને નજીકના ભવિષ્યમાં જાન્યુઆરી ૨૦૨૭ના પ્રથમ સપ્તાહમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સંભાગની ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન, એમ.ડી. અને મેનેજરો માટે પરિણામલક્ષી અભ્યાસ વર્ગ યોજાશે, જેમાં રાજકોટની ૧૦૦ ટકા ક્રેડિટ સોસાયટીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહે તે માટે ચાર ઝોનના કાર્યકરો પ્રયત્નશીલ છે.
‘જીવનમાં સહકારિતાનું મહત્વ’ વિષય પર મુખ્ય વક્તા અને સહકાર ભારતીના રાષ્ટ્રીય સહ પ્રકોષ્ઠ પ્રમુખ (અર્બન બેન્કર્સ) નલિનભાઈ વસાએ રસાળ શૈલીમાં ઉદ્બોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજા વિક્રમાદિત્યના ‘પરદુઃખભંજન’ના ગુણની જેમ સહકારી પ્રવૃત્તિનો મૂળ ઉદ્દેશ નબળા અને પછાત વર્ગને શોષણમાંથી મુક્ત કરી પગભર કરવાનો છે. મંડળી ટકાવવા વ્યાજબી નફો જરૂરી છે, પરંતુ નફાની સાથે સમાજસેવા અને સમૃદ્ધ રાષ્ટ્ર એ જ તેનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
નૂતન વર્ષ અને વિક્રમ સંવતની પૃષ્ઠભૂમિ સમજાવતા તેમણે કહ્યું કે જ્ઞાન (સરસ્વતી) વિનાની સંપત્તિ (લક્ષ્મી) નુકસાનકારક બની શકે છે, તેથી ચોપડા પૂજન સાથે સરસ્વતી પૂજનનું પણ મહત્વ છે. ‘સુખ’ અને ‘આનંદ’ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે સુખ એ ઈન્દ્રિયોનો ભૌતિક અનુભવ છે જેની મર્યાદા હોય છે, જ્યારે નિઃસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવાથી મળતો ‘આનંદ’ એ આત્માની અનન્ય અનુભૂતિ છે.
સમારોહમાં અર્બન કો-ઓપરેટિવ બેંક, ક્રેડિટ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, કર્મચારી મંડળીઓ તથા ચાર ઝોનના સહકારી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ સંઘાણી, ગીત નીતિનભાઈ મહેતા, આભારવિધિ પ્રવીણભાઈ નિમાવત અને કલ્યાણ મંત્ર નિશાબેન પીલોજપરાએ કરાવ્યો હતો. અંતમાં સૌએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી ભોજન પ્રસાદ લીધો હતો.


