લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીમાં ફેંક્યો: ₹૮૦ હજાર માટે પિતા-પુત્રએ કરી હત્યા
કલરકામના બહાને ઘરે બોલાવી બેભાન કર્યો; એક્ટિવા પર વચ્ચે બેસાડી પાંચપીપળા પાસે ભાદર નદીના પુલ પરથી ફેંકી દીધો
અગ્ર ગુજરાત, જૂનાગઢ
રૂપિયા ૮૦,૦૦૦ ની ઉઘરાણી મામલે પિતા અને પુત્રએ પૂર્વઆયોજિત કાવતરું રચીને ૨૭ વર્ષીય યુવક સમીર હનીફભાઈ શેખની હત્યા કરી હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. યુવકને લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી બેભાન કર્યા બાદ જેતપુર નજીક ભાદર નદીમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી આરોપી પિતા નાસિરખાન પઠાણ અને પુત્ર દાઉદખાન પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના ભાઈ ૨૪ વર્ષીય સાહિલ હનીફભાઈ શેખ (રહે. કુંભારવાડા, બારાસૈયદ રોડ, સુખનાથ ચોક પાસે, જૂનાગઢ) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, આરોપી નાસિરખાન પઠાણ મૃતક સમીર પાસેથી રૂ. ૮૦,૦૦૦ માંગતો હતો. હાલ પૈસાની સગવડ ન હોવાથી સમીરે મજૂરીકામ કરીને ધીમે-ધીમે રકમ ચૂકવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ નાસિરખાન તેને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
આ બાબતનો ખાર રાખી મધુરમ વિસ્તારમાં રહેતા નાસિરખાન અને તેના પુત્ર દાઉદખાને સમીરને કલરકામના બહાને ઘરે બોલાવ્યો હતો. ત્યાં લસ્સીમાં ઘેનની ગોળીઓ આપી તેને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ નાસિરખાને સમીરનું જ કાળા રંગનું એક્ટિવા ચલાવી બેભાન સમીરને વચ્ચે બેસાડ્યો હતો અને પાછળ દાઉદખાને તેને પકડી રાખ્યો હતો. બંને આરોપીઓ તેને જૂનાગઢથી જેતપુર તાલુકાના પાંચપીપળા ગામ નજીક ભાદર નદીના પુલ પર લઈ ગયા અને કોઈને શંકા ન જાય તે રીતે નદીમાં ફેંકી દીધો હતો.
DYSP હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર, આ બનાવ અંગે શરૂઆતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ થઈ હતી. જોકે, પરિવારજનોએ નાસિરખાન નાણાની માંગણી કરતો હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસમાં સમગ્ર હત્યાકાંડ સ્પષ્ટ થતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યા, કાવતરું અને મદદગારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પિતા-પુત્રને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી નાસિરખાન પઠાણ અગાઉ ‘નાનજી કાતરિયા’ નામ ધરાવતો હતો અને તેણે ઘણા સમય પહેલાં ધર્મપરિવર્તન કરી લીધું હતું. તેની સામે જેતપુર સીટી સહિત લૂંટ અને મારામારીના ગુના નોંધાયેલા છે. ઉપરાંત, વર્ષ ૨૦૨૦માં ગોંડલ તાલુકાના વેકરી ગામે નદીના પુલ પર સાળાને ડૂબાડી મારી નાખવાના ગુનામાં પણ તેની સામે કાર્યવાહી થઈ ચૂકી છે.


