ચિમનભાઈ અગ્રવાલે બ્રહ્મભવનના નિર્માણ માટે અડાલજમાં ₹૫૦ કરોડની જમીન દાનમાં આપી
પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં ૫,૦૦૦ ચોરસ વાર જમીન પર ₹૫૦ કરોડના ખર્ચે બનશે ૧૦ માળનું અત્યાધુનિક બ્રહ્મભવન
ભૂમિગ્રહણ સમારંભમાં વધુ ₹૨.૫૦ કરોડ મળતાં કુલ દાન ₹૧૨.૫૦ કરોડને પાર; સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાની વિશેષ ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, કુંઢેલી
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં ગુજરાતના બ્રાહ્મણ પરિવારોના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્માણાધીન ‘બ્રહ્મભવન’ પ્રોજેક્ટને આજે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ વેગ મળ્યો છે. જાણીતા જમીનદાર અને ઉદારદિલ દાતા ચિમનભાઈ અગ્રવાલે અડાલજ ખાતે આવેલી આશરે ૫૦ કરોડ રૂપિયાની કિંમતની, એન.એ. (N.A.) થયેલી ૫,૦૦૦ ચોરસ વાર જમીન બ્રહ્મભવનના નિર્માણ અર્થે દાનમાં આપી સામાજિક સમરસતા અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાતના વિવિધ શહેરોમાંથી પધારેલા અલગ-અલગ ક્ષેત્રના ૧૦૦ જેટલા બ્રહ્મ આગેવાનોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા ભૂમિગ્રહણ સમારંભમાં બ્રહ્મભવનના ફાઉન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ ડો. જગદીશ ત્રિવેદીએ આ ભવ્ય પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાતા તરફથી મળેલી આ કિંમતી જમીન ઉપર આશરે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ માળનું અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ બ્રહ્મભવન તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ પણ ખાસ ઉપસ્થિત રહીને આ સમાજઉપયોગી કાર્યને બિરદાવ્યું હતું.
આજના ભૂમિગ્રહણ સમારંભ દરમિયાન પણ દાતાઓ તરફથી ઉદાર હાથે સખાવતનો પ્રવાહ અવિરત રહ્યો હતો. સમારંભમાં વધુ અઢી કરોડ (₹૨.૫૦ કરોડ) રૂપિયાનું દાન પ્રાપ્ત થતાં, અત્યાર સુધીમાં જાહેર થયેલા કુલ દાનની રકમ સાડા બાર કરોડ (₹૧૨.૫૦ કરોડ) રૂપિયાને પાર કરી ગઈ છે.
દાન સ્વીકારવા માટે ત્રણ કેટેગરી નક્કી કરાઈ ભવનના નિર્માણ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા આગેવાનો દ્વારા એક ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ, આ ભવન માટે ફક્ત ત્રણ જ કેટેગરીમાં દાન ગ્રહણ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રથમ કેટેગરીમાં ₹૧ કરોડ, દ્વિતીય કેટેગરીમાં ₹૫૦ લાખ અને તૃતીય કેટેગરી ₹૨૫ લાખ. આ ત્રણ કેટેગરીના માધ્યમથી જ ૫૦ કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત કરીને વહેલી તકે ભવ્ય બ્રહ્મભવનનું સ્વપ્ન સાકાર કરવા માટે તમામ બ્રહ્મ આગેવાનો કટિબદ્ધ બન્યા છે.


