ઉનાના નવાબંદરમાં પોલિયો અભિયાનનો પ્રારંભે ભૂલકાઓને ટીપાં પીવડાવાયા
0થી 5 વર્ષનાં તમામ બાળકોને પોલિયાથી સુરક્ષિત કરવા લીઓનેઅપીલ
અગ્ર ગુજરાત, ઉના
બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણના હેતુથી ઉના તાલુકાના નવાબંદર ખાતે પોલિયો અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવાબંદર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય હરીભાઈ સોલંકીના હસ્તે નાના ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય હરીભાઈ સોલંકી સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ અભિયાન અંતર્ગત નવાબંદર વિસ્તારમાં 0થી 5 વર્ષનાં તમામ બાળકોને પોલિયાના બે ટીપાં પીવડાવી રોગમુક્ત ભવિષ્ય તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી.
આ તકે હરીભાઈ સોલંકીએ વાલીઓને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોલિયો સામેની લડાઈમાં દરેક બાળકને રસીના બે ટીપાં પીવડાવવા અત્યંત જરૂરી છે. કોઈપણ બાળક પોલિયોના ટીપાં પીવાથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવી જોઈએ. બાળકોના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્ય માટે વાલીઓએ આરોગ્ય વિભાગના આ અભિયાનમાં સહભાગી બનવું જોઈએ.


