ટ્રેક્ટર પલટી ખાતાં ઘવાયેલા ઓડદરના 20 વર્ષીય યુવાનનું રાજકોટમાં મોત
લાઠીના પાદરશિંગા ગામ પાસે અકસ્માતમાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ટ્રેક્ટર અકસ્માતે પોરબંદર જિલ્લાના ઓડદર ગામના એક યુવાનનો ભોગ લીધો છે. પાદરશિંગા ગામ પાસે ટ્રેક્ટર અચાનક પલટી મારી જતાં 20 વર્ષીય ચાલકને માથા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવનમરણ વચ્ચેની જંગમાં આખરે તેનું મોત નીપજતાં પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, પોરબંદર જિલ્લાના ઓડદર ગામે રહેતા દીપક ખીમાભાઈ ગરેજા (ઉ.વ.20) ગઈકાલે સાંજે આશરે 5:30 વાગ્યાના અરસામાં ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠી તાલુકાના પાદરશિંગા ગામ નજીક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું. અકસ્માતમાં દીપકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અહીં બેભાન અવસ્થામાં સારવાર લઈ રહેલા દીપકે મોડી રાત્રે અંતિમ શ્વાસ લેતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં દામનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારજનો પાસેથી મળેલી વિગતો મુજબ, દીપક બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેમના પિતા ખેતીકામ કરે છે, જ્યારે દીપક પોતે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. દામનગર પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


