પાંચ વર્ષમાં રાજકોટ જિલ્લામાં 43 બાળલગ્ન પર રોક, ચાર કિસ્સામાં પોલીસ ફરિયાદ
બાળલગ્નની બદીને ડામવા સમાજ સુરક્ષા વિભાગની કામગીરી : બે બાળસગાઈના કિસ્સામાં વાલીઓને સમજાવી અટકાવ્યા, ખોટી ફરિયાદોની પણ તપાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
બાળપણમાં શિક્ષણ અને સપનાંઓની ઉંમરે દીકરીઓને લગ્નના બંધનમાં બાંધી દેવાની સામાજિક કુરિવાજ સામે રાજકોટ જિલ્લામાં તંત્રએ સક્રિય કામગીરી હાથ ધરી છે. બાળલગ્ન જેવી ગંભીર સામાજિક સમસ્યાને જડમૂળથી દૂર કરવાના પ્રયાસોના ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ જિલ્લામાં કુલ 43 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં છે. આ પૈકી ચાર કિસ્સામાં કાયદેસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જ્યારે બાળસગાઈના બે કિસ્સામાં વાલીઓને સમજાવીને યોગ્ય માર્ગે વાળવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા દેશને બાળલગ્નમુક્ત બનાવવાના હેતુથી ‘બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મળતી ફરિયાદોના આધારે તપાસ કરી બાળલગ્ન અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી પાસેથી મળેલી વિગતો પ્રમાણે, વર્ષ 2022-23માં જિલ્લામાં 11 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન મળેલી ફરિયાદોની તપાસમાં પાંચ ફરિયાદો ખોટી હોવાનું બહાર આવ્યું હતું. એક કિસ્સો અન્ય જિલ્લામાં કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે એક કિસ્સામાં લગ્ન નહીં પરંતુ માત્ર સગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2023-24માં બાળલગ્ન અટકાવવાની કામગીરીમાં વધારો જોવા મળ્યો હતો અને કુલ 15 બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. આ વર્ષ દરમિયાન એક ફરિયાદ ખોટી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, એક કિસ્સામાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અન્ય એક કિસ્સામાં માત્ર સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
વર્ષ 2024-25માં છ બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં અને બે કિસ્સામાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025-26 દરમિયાન આઠ બાળલગ્ન અટકાવવાની સાથે એક કિસ્સામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમયગાળામાં મળેલી બે ફરિયાદો તપાસ બાદ ખોટી હોવાનું પણ સ્પષ્ટ થયું હતું.
ચાલુ વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં વધુ ત્રણ બાળલગ્ન અટકાવવામાં આવ્યાં છે. આમ, પાંચ વર્ષના સમયગાળામાં કુલ 43 બાળલગ્ન અટકાવવાની કામગીરી નોંધાઈ છે. બાળલગ્નની સાથે બાળસગાઈના કિસ્સાઓ સામે પણ તંત્ર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી છે અને બે કિસ્સામાં વાલીઓને સમજણ આપીને આવી પ્રથા ન અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાળલગ્ન માત્ર કાયદાકીય ગુનો જ નહીં, પરંતુ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર સામાજિક પ્રશ્ન છે. આથી માત્ર લગ્ન અટકાવવા પૂરતું નહીં, પરંતુ વાલીઓમાં જાગૃતિ લાવી બાળલગ્ન સામે સામાજિક માનસિકતા બદલવાની દિશામાં પણ આવી કામગીરી મહત્ત્વની બની રહી છે.


