‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા‘ને વેગ આપતું ૧૦મું મશીન ટૂલ્સ પ્રદર્શન સંપન્ન; ચાર દિવસમાં ૬૫ હજાર મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું
અંતિમ દિવસે પણ ઉદ્યોગકારોનો ભારે પ્રતિસાદ; નાઈરોબીથી આવેલા ઉદ્યોગકાર પરેશભાઈ ગજ્જરે આયોજનને બિરદાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા – મેઈડ ઇન ઇન્ડિયા‘ મંત્રને સાકાર કરતા છેલ્લા ૨૦ વર્ષથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ રાજકોટમાં મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા આયોજિત ૧૦મા મશીન ટૂલ્સ પ્રદર્શનનો આજે અંતિમ દિવસ રહ્યો હતો. તા. ૨૫ નવેમ્બર, બુધવારથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશ-વિદેશથી ૬૫,૦૦૦ મુલાકાતીઓ તથા ઉદ્યોગકારોએ મુલાકાત લીધી હતી.
LMW લિમિટેડ – કોઈમ્બતુરના ગુજરાત ઝોનલ હેડ ભુપેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે તેમની કંપની ૧૯૮૮થી મશીન ટૂલ્સ ક્ષેત્રે કાર્યરત છે અને પ્રીસિસન, સીએનસી મશીન તથા ટર્નિંગ મશીન સહિતના ઉત્પાદનો દેશ-વિદેશમાં મોકલે છે. મશીન ટૂલ્સ ક્ષેત્રે પાયોનીયર ગણાતી આ કંપની ટેક્સટાઇલ મશીનરીમાં સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમે છે.
ફોર્ડ મશીનરી પ્રા.લી. – પુના ટેકનિકલ ડાયરેક્ટર દિગ્વિજય ચૌહાણે જણાવ્યું કે મૂળ ચીન સ્થિત અને પુનામાં કાર્યરત તેમની કંપની રાઉટર મશીન, વર્ટીકલ ગ્રાઇન્ડીંગ મશીન અને કમ્પોઝીટ સિલિન્ડ્રિકલ મશીન બનાવે છે તથા આ પ્રદર્શનથી તેમને ઘણો લાભ થયો છે.
સીએનસી લેથ અને શીટ મેટલ મશીનરી ખરીદવા નાઇરોબી કેન્યાથી આવેલા ઉદ્યોગકાર પરેશભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત મશીનરીની ખરીદીમાં તેમને આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે અને પ્રદર્શનના સફળ આયોજન બદલ તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આ આયોજનને અભિનંદન પાઠવ્યા હતા. દેશ-વિદેશના ઉદ્યોગકારો અને ખરીદદારોની ઉપસ્થિતિ સાથે આ પ્રદર્શને સ્થાનિક અને રાષ્ટ્રીય મશીનરી ઉત્પાદકો માટે વ્યાપારિક જોડાણ અને આધુનિક ટેકનોલોજીના આદાન-પ્રદાનનો મંચ પૂરો પાડ્યો હતો.


