- રચિન રવિન્દ્રએ જીત્યો ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ
- જસપ્રીત બુમરાહ અને ક્વિંટન ડિકોકને ન મળ્યો એવોર્ડ
- રચિન રવિન્દ્ર પ્રથમ વખત રમી રહ્યો છે વર્લ્ડકપ
ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર 2023માં પોતાના કરિયરનો પ્રથમ વનડે વર્લ્ડકપ રમી રહ્યો છે. જેમાં તેમણે પોતાની બેટિંગથી લોકોને દિવાના બનાવ્યા છે. હવે તેમને ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મળ્યો છે. રચિને ભારતીય પેસર જસપ્રીત બુમરાહ અને સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટન ડિકોકને પાછળ રાખીને આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.
ઈંગ્લેન્ડ સામે અણનમ 123 રન બનાવ્યા હતા
ઓક્ટોબર મહિનામાં રચિને બેટથી ખુબ કમાલ કર્યો છે. આ મહિનાની અને 2023 વર્લ્ડકપ રચિને ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં અણનમ 123 રન બનાવ્યા હતા. વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેને ટૂર્નામેન્ટની તેની છઠ્ઠી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 116 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
ઓક્ટોબરમાં રચિને 2 સદી ફટકારી
ઓક્ટોબર મહિનામાં રચિને કુલ 2 સદી ફટકારી છે. ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે વનડે વર્લ્ડકપ 2023માં કુલ 6 મેચ રમી છે. જેમાં રચિને 81.20ની શાનદાર સરેરાશથી 406 રન બનાવ્યા છે.
રચિને આભાર વ્યક્ત કર્યો
ICC અનુસાર, પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થયા બાદ રચિને કહ્યું કે, હું આ એવોર્ડ જીતવા બદલ ખૂબ જ આભારી છું. વ્યક્તિગત રીતે અને ટીમ માટે આ એક ખાસ મહિનો રહ્યો છે. ભારતમાં વર્લ્ડકપ રમવું એ ખૂબ જ ખાસ રહ્યું છે.
ટૂર્નામેન્ટમાં બીજો હાઈ સ્કોરર
ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા આયોજિત 50 ઓવરની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં રચિન બીજા સ્થાને છે. 9 મેચની 9 ઈનિંગમાં બેટિંગ કરીને તેણે 70.62ની એવરેજ અને 108.45ની સ્ટ્રાઇક રેટથી 565 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી કુલ 3 સદી આવી છે. તેણે પોતાની પ્રથમ સદી ઈંગ્લેન્ડ સામે, બીજી ઓસ્ટ્રેલિયા સામે અને ત્રીજી પાકિસ્તાન સામે ફટકારી હતી.


