કાશીબા ગોટી ટ્રસ્ટના ‘1008 સરસ્વતીધામ નિર્માણ અભિયાન’ને મળ્યો નવો વેગ
મનહરભાઈ કાકડિયા બન્યા 352થી 702 સરસ્વતીધામના નિર્માણ માટે 50% ખર્ચના મુખ્ય દાતા
અગ્ર ગુજરાત, સુરત
માતા કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા દેશના અંતરિયાળ, આદિવાસી અને વંચિત વિસ્તારોમાં શિક્ષણની પાયાની સુવિધાઓ વિકસાવવાના ઉદાત્ત હેતુથી હાથ ધરવામાં આવેલા ‘સરસ્વતીધામ નિર્માણ અભિયાન’માં એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે.
ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ હરિભાઈ ગોટી દ્વારા સ્વલક્ષ્મીના સમર્પણથી ટ્રસ્ટ હેઠળ 351 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સહયોગી દાતાશ્રીઓના નિષ્ઠાવાન સહકાર અને ટ્રસ્ટના અવિરત પ્રયાસોથી આ પ્રથમ ચરણનો સંકલ્પ હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે.
આ સેવાયાત્રાને વ્યાપક ફલક પર લઈ જઈને હવે કુલ 1008 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે. આ મહાસંકલ્પને સાકાર કરવાની દિશામાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને કાકડિયા બિલ્ડર્સના મનહરભાઈ કાકડિયા ઉમદા ભાવ સાથે આગળ આવ્યા છે. તેમણે ક્રમાંક 352થી 702 સુધીના કુલ 351 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણ માટે થનાર કુલ ખર્ચના 50 ટકા રકમની અનોખી સહાય આપવાની સંમતિ દર્શાવી છે. કાશીબા ગોટી ટ્રસ્ટના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો દાનસહયોગ છે, જે ટ્રસ્ટની શિક્ષણસેવાની આ યત્રામાં એક સીમાચિહ્ન સમાન મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આ વિરાટ અને પ્રેરણાદાયી સહયોગ બદલ શ્રી મનહરભાઈ કાકડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


