- કમિન્સની ટીમ સેમિઇફાઇનલની તૈયારીઓને વેગ આપશે
- બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થયેલી પ્રથમ ટીમ
- ટ્રેવિસ હેડે પણ પુનરાગમન મેચમાં સદી નોંધાવી
સેમિફાઈનલમાં સ્થાન મેળવીને આત્મવિશ્વાસથી ભરપૂર ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી લીગ મેચમાં શનિવારે શાકિબ અલ હસન વિના મેદાનમાં ઊતરનાર બાંગ્લાદેશ સામે પોતાની રિધમ અને ફોર્મને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છેલ્લી છ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વિજય હાંસલ કરતી રહી છે. બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થયેલી પ્રથમ ટીમ છે. પેટ કમિન્સની ટીમે મેક્સવેલની અણનમ બેવડી સદી વડે અફ્ઘાનિસ્તાન સામે ચમત્કારિક વિજય હાંસલ કરીને અંતિમ-4માં પ્રવેશી હતી. આ મુકાબલો સવારે 10:30 કલાકે શરૂ થશે. શાકિબની ગેરહાજરીમાં નજમુલ હુસૈન સાન્તો ટીમની કેપ્ટનશિપ કરશે જેની સામે ફોર્મમાં રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને રોકવાનો પડકાર રહેશે. વોર્નર આઠ ઇનિંગ્સમાં 446 રન બનાવી ચૂક્યો છે. છઠ્ઠા ક્રમનો બેટ્સમેન મેક્સવેલે 397 રન બનાવ્યા છે જેમાં વર્લ્ડ કપના ઇતિહાસની પ્રથમ બેવડી સદી તથા ફસ્ટેસ્ટ સદી પણ સામેલ છે. ટ્રેવિસ હેડે પણ પુનરાગમન મેચમાં સદી નોંધાવી હતી. જોકે ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી મોટી સમસ્યા મિડલ ઓર્ડર બેટ્સમેનો હજુ સુધી અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યા નથી. બાંગ્લાદેશના બોલર્સ ઓસ્ટ્રેલિયન ટીમની મિડલ ઓર્ડરની નબળાઇનો લાભ લેવા માગશે. બોલિંગની જવાબદારી શોરિફુલ ઇસ્લામ તથા મહેદી હસન મિરાજ ઉપર રહેશે. યુવા બોલર તાન્ઝિમ શાકિબે કેટલાક પ્રભાવશાળી સ્પેલ નાખ્યા છે. બેટિંગમાં લિટન દાસ ઉપર મદાર રહેશે. મિડલ ઓર્ડરમાં મહમુદુલ્લાહ તથા મુશફ્કિુર રહીમ જવાબદારી અદા કરશે. જોકે તેમનો સામનો મિચેલ સ્ટાર્ક, હેઝલવૂડ અને અત્યાર સુધી હાઇએસ્ટ વિકેટ ઝડપી ચૂકેલા એડમ ઝમ્પા સામે થશે. ઓસ્ટ્રેલિયાનો બાંગ્લાદેશ સામે 21 વન-ડેમાં 19-1નો છે.


