- હુથી બળવાખોરોઓ સામે એરો-3 મિસાઈલનો કર્યો ઉપયોગ
- Arrow-3નું ગુરુવારે સાંજે સફળતાપૂર્વક કર્યું ઓપરેશન
- યુદ્ધમાં બાળકો સહિત હજારો લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે હુથી બળવાખોરોઓ સામે એરો-3 મિસાઈલનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં Arrow-3 શું છે તે જાણવું જોઈએ.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં બાળકો સહિત હજારો લોકો માર્યા ગયા છે. દરમિયાન ઈઝરાયેલે શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે તેના નવા હથિયાર એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયેલે કહ્યું કે એરો-3નું ગુરુવારે સાંજે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે લાલ સમુદ્રના વિસ્તારમાં ઈઝરાયેલ તરફ લૉન્ચ કરવામાં આવેલા લક્ષ્યોને અસરકારક રીતે અટકાવવામાં આવ્યા હતા.
2017 માં સૌપ્રથમ કાર્યરત રીતે તૈનાત કરવામાં આવ્યું હતું
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે એરો-3 ઇન્ટરસેપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેણે લાલ સમુદ્રમાંથી ઇઝરાયલ તરફ આવતા લક્ષ્યને સફળતાપૂર્વક અટકાવ્યું હતું અને તેનો નાશ કર્યો હતો જે યમનથી સંભવતઃ ખતરો હતો. તમને જણાવી દઈએ કે ઈઝરાયલે 2017માં પહેલીવાર એરો 3 ઈન્ટરસેપ્ટર હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલને કાર્યરત કરી હતી.
એરો-3 ની ક્ષમતા કેટલી છે?
Arrow-3 ઘાતક લાંબા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે 100 કિમી (62 માઈલ) થી વધુની ઊંચાઈ અને રેન્જ પર બેલિસ્ટિક મિસાઈલોને અટકાવવામાં સક્ષમ છે. એરો 3 એ ઇઝરાયેલની એરો વેપન સિસ્ટમ (AWS) નો એક ભાગ છે, જે એક સ્વતંત્ર એન્ટિ-ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. તે દેશની મલ્ટી-સ્ટેજ ડિફેન્સ મિસાઇલોનો મહત્વનો ભાગ છે. જેમાં એરો 2, ડેવિડ સ્લિંગ અને આયર્ન ડોમ એક્ટિવ ડિફેન્સ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે અને તેને 2017માં ઇઝરાયેલી એરફોર્સમાં સામેલ કરવામાં આવી હતી. આ મિસાઈલ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.
ગુરુવારે સાંજે, દક્ષિણમાં પેટ્રિઓટ મિસાઇલ ઇન્ટરસેપ્ટર બેટરીએ ઇઝરાયેલના પ્રદેશમાં પ્રવેશતા પહેલા અન્ય શંકાસ્પદ લક્ષ્યને અટકાવ્યું હતું, IDFએ જણાવ્યું હતું. યુદ્ધ વચ્ચે યમન તરફથી વારંવાર મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે લાલ સમુદ્રમાં તેની નૌકાદળની હાજરી વધારી છે.


