ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ
ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા આનંદ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા
અગ્ર ગુજરાત, જૂનાગઢ
હાલમાં ચોમાસાની ઋતુમાં ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જાણે ગિરનારમાં કાશ્મીર-આબુ જેવો માહોલ હોય તેવું લાગે. ચારેય બાજુ પથરાયેલી અદભુત હરિયાળીને કારણે એવું પ્રતીત થાય છે કે જાણે આખા પર્વતે લીલી ચાદર ઓઢી લીધી હોય! વાદળોની વચ્ચેથી પસાર થતી શીતળ હવાનો સ્પર્શ અને ચારેય તરફનો નયનરમ્ય નજારો લોકોના મન મોહી રહ્યો છે. સીડીઓ મારફતે ઉપર તરફ જતા શ્રદ્ધાળુઓ અને સૈલાણીઓ આહલાદક પવન વચ્ચે ગિરનારની મોજ માણી રહ્યા છે. જેમ જેમ પર્વત પર ઉપર ચઢતા જઈએ, તેમ તેમ વરસાદના તોફાની ઝાપટાં અને ગાઢ ધુમ્મસ પ્રવાસીઓનો ઉત્સાહ બેવડો કરી રહ્યા છે.
પ્રવાસી કૃતિ તલસાણિયા(ભાવનગર)એ જણાવ્યું હતું કે, અમે આ વાતાવરણ જોઈને ખુબ જ ખુશ છીએ અને એક નવો જ એક્સપિરિયન્સ લઈ રહ્યા છીએ. મિત્રો સાથે અહીં આવવું એ સાચે જ સ્વર્ગનો અહેસાસ કરાવે છે. જૂનાગઢ આપણા ઘર આંગણે આવેલું સ્વર્ગ છે, જ્યાં વાંદરા, વાઘ અને સિંહ જેવા વન્યજીવો સાથે પ્રકૃતિનો અલગ જ આનંદ માણી શકાય છે.
આજે 9 ઓગસ્ટે રવિવારની રજા અને ચોમાસાના આગમન સાથે જ ગિરનાર પર્વત પર પ્રકૃતિનો એક અદ્ભુત અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલમાં અત્યંત ભેજવાળું, ઠંડકથી ભરેલું અને સુંદર વાતાવરણ સર્જાયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મોજ માણી છે. પ્રવાસી પાયલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ઇન્સ્ટાગ્રામ પર ગિરનારની ઘણી બધી રીલ્સ જોઈ હતી ત્યારબાદ અમે અહીં આવવાનો પ્લાન કર્યો હતો.
અન્ય રાજ્યોમાં ફરવા જતા લોકોને સલાહ આપતા ઉમેર્યું હતું કે, બહાર જઈને પૈસા ખર્ચવા કરતા પહેલા આપણે આપણા ગુજરાતની અદભુત કુદરતી સંપત્તિ અને આવા મનોહર સ્થળોની મુલાકાત લેવી જોઈએ.


