- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલની મેચ
- મુંબઈના વાનખેડેમાં બંને ટીમ વચ્ચે મેચ
- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેયસ અય્યરે બનાવ્યો રેકોર્ડ
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 50 ઓવરમાં 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. શ્રેયસે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. આ રીતે શ્રેયસ અય્યરે સતત બીજી મેચમાં સદીનો આંકડો પાર કર્યો છે. જો કે, શ્રેયસ અય્યર વર્લ્ડકપમાં સતત 2 સદી ફટકારનારો બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ કારનામું રાહુલ દ્રવિડે કર્યું હતું. 1999ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડે સતત 2 સદી ફટકારી હતી.
શ્રેયસ અય્યરે સતત બીજી સદી ફટકારી
શ્રેયસ અય્યરે નેધરલેન્ડ સામે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સદી ફટકારી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે 94 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 10 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. હવે શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી 113 બોલમાં 117 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલીની વનડે કારિયરની આ 50મી સદી છે. આ રીતે વિરાટ કોહલી વનડે ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બન્યો છે.
ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો આપ્યો ટાર્ગેટ
આ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદી ઉપરાંત શુભમન ગિલની શાનદાર ઈનિંગના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 398 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. શુભમન ગિલ 66 બોલમાં 80 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ ઉપરાંત કેએલ રાહુલે 20 બોલમાં 39 રન બનાવીને શાનદાર ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ લીધી હતી.


