- ભારત ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું
- વર્લ્ડકપમાં પ્રદર્શન કરનાર ખેલાડીઓને IPLમાં ફાયદો થશે
- IPLની હરાજીમાં ફ્રેન્ચાઈઝી આ ખેલાડીઓ પર પૈસા ખર્ચી શકે
વર્લ્ડકપ 2023 હવે તેના છેલ્લા તબક્કામાં છે, ટૂર્નામેન્ટને તેની ફાઇનલિસ્ટ ટીમમાંથી એક મળી છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને હવે IPL 2024માં ઘણો ફાયદો થવાનો છે. આઈપીએલની હરાજીમાં ફ્રેન્ચાઈઝી કેટલાક ખેલાડીઓ પર ઘણા પૈસા ખર્ચી શકે છે. આ યાદીમાં ઘણા ખેલાડીઓ સામેલ છે.
આ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે
1. રચિન રવિન્દ્ર
ન્યૂઝીલેન્ડનો 23 વર્ષનો ડાબોડી યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર પોતાનો પહેલો વર્લ્ડકપ રમી રહ્યો છે અને તેને જોઈને કોઈ કહી શકે નહીં કે આ તેનો પહેલો વર્લ્ડકપ છે. રચિને પોતાના અત્યાર સુધીના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. જે બાદ હવે ઘણી ફ્રેન્ચાઈઝી આઈપીએલ 2024 માટે તેના પર નજર રાખી રહી છે. સેમીફાઈનલમાં ભારત સામે હારીને ન્યૂઝીલેન્ડની ટીમ ભલે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. રચિને તેના પહેલા જ વર્લ્ડકપમાં ત્રણ શાનદાર સદી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં રચિને પોતાના બેટથી 550થી વધુ રન બનાવ્યા છે.
2. ડેરીલ મિચેલ
ન્યુઝીલેન્ડના બીજા બેટ્સમેન ડેરીલ મિચેલનો વર્લ્ડકપ 2023 શાનદાર રહ્યો છે. ભલે તેની ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ, પરંતુ મિચેલ આ મેચમાં અંત સુધી લડતો રહ્યો હતો. આ મેચમાં મિચેલે 123 રનની ઇનિંગ રમી હતી. તેણે ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી 552 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 શાનદાર સદી પણ ફટકારી હતી. ખાસ વાત એ છે કે તેણે ટીમ ઈન્ડિયા સામે બંને સદી ફટકારી છે. તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો IPL 2024માં મળી શકે છે. ઘણી ફ્રેન્ચાઈઝી તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી શકે છે.
3. અઝમતુલ્લા ઓમરઝાઈ
જો કે અફઘાનિસ્તાનની આખી ટીમે વર્લ્ડકપ 2023માં ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે, પરંતુ ટીમનો એક એવો ખેલાડી છે જેણે બેટિંગથી લઈને બોલિંગ સુધી શાનદાર પ્રદર્શન કરીને IPL ફ્રેન્ચાઈઝીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પ્રથમ વખત અફઘાનિસ્તાનની ટીમે 4 મેચ જીતી છે અને વર્લ્ડ ચેમ્પિયન ટીમોને હરાવી છે. જેમાં અઝમતુલ્લા ઓમરઝાઈએ મહત્વની ભૂમિકા ભજવી છે, તેણે ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી 353 રન બનાવ્યા છે અને બોલિંગ દરમિયાન તેણે 7 વિકેટ પોતાના નામે કરી લીધી છે.


