- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ
- રવિવારે બંને ટીમ અમદાવાદમાં આવશે આમને-સામને
- દુઆ લિપા વર્લ્ડકપ ક્લોઝિંગ સેરેમનીમાં નહીં કરે પરફોર્મ
19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવશે. આ મેચ સાથે જ અમદાવાદમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેનારા સવા લાખથી પણ વધારે દર્શકોને મનોરંજનનો એક્સ્ટ્રા ડોઝ મળવાનો છે. તે મનોરંજક કાર્યક્રમમાં હોલીવુડની પોપ આઈકન ગાયિકા દુઆ લિપા પણ પરફોર્મ કરવાની છે એવા અગાઉ સમાચાર સામે આવ્યા હતા, પરંતુ આ માત્ર એક અફવા હતી. દુઆ લિપા ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે નહીં.
દુઆ લિપા નહીં કરે પરફોર્મ
મળતી માહિતી અનુસાર દુઆ લિપા અમદાવાદમાં ફાઈનલ મેચમાં પરફોર્મ કરવાની નથી. એ સ્ટેજ પરફોર્મન્સ આપશે એવી અફવા ખોટી સાબિત થઈ છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે ટ્વીટ કરેલા એક વીડિયોને લીધે અફવા બજાર ગરમ થયું હતું. ઉલ્લેખનીય છે કે, દુઆ લિપા ત્રણ વખત પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે.
15 નવેમ્બરે વીડિયો થયો હતો અપલોડ
દુઆ લિપા સાથે તાજેતરમાં પ્રસારિત કરાયેલા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ‘AskDua’માં શુભમન ગિલ, કે.એલ રાહુલ, કેન વિલિયમસન જેવા ક્રિકેટરો જોડાયા હતા. એ વખતે દુઆને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. તે વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે કાર્યક્રમમાં શુભમન ગિલે દુઆને પૂછી લીધું હતું કે, તમે ક્લોઝિંગ સેરેમનીમાં કયું ગીત ગાવાના છો? ત્યારે ગાયિકાએ કહ્યું હતું કે, ‘ફિઝિકલ શિર્ષકવાળું ગીત. રાહુલે સવાલ પૂછ્યો હતો કે, તમે કાર્યક્રમ વખતે કયા નંબરની જર્સી પહેરીશો? ત્યારે દુઆએ જવાબમાં કહ્યું, 22 નંબર. કારણ કે, એને તે પોતાનો લકી નંબર માને છે. આ વીડિયો 15 નવેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો અને એને કારણે દુઆના પરફોર્મન્સ વિશેની અફવા ફેલાઈ હતી.
દુઆ લિપા 3 વખત ભારત આવી
ઉલ્લેખનીય છે કે, દુઆ લિપા ભારતમાં ત્રણ વખત આવી ચૂકી છે. 2019ના નવેમ્બરમાં એ પહેલી જ વાર ભારત આવી હતી અને સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર દુઆ લિપાના 9 કરોડ ફોલોઅર્સ છે.


