- 9 ડિસેમ્બર 2023ના રોજ WPLનું ઓકશન થયું
- કાશવી ગૌતમ સૌથી મોંઘી ભારતીય અનકેપ્ડ ખેલાડી
- ગુજરાત જાયન્ટ્સે કાશવી ગૌતમને 2 કરોડમાં ખરીદી
વુમન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે 2024 માટેની હરાજીનું આયોજન 9 ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ WPL ટુર્નામેન્ટની બીજી સીઝન છે અને પ્રથમ મીની હરાજી છે. આ હરાજીમાં ડબલ્યુપીએલની પાંચેય ટીમોએ ઘણા ખેલાડીઓ પર દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા ખર્ચીને ઘણા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. જેમાંથી કેટલાક ખેલાડીઓ એવા છે કે તેઓ એકલા હાથે મેચની બાજી પલટી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ
આ વખતની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે ઘણા ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ તેણે પોતાની યાદીમાં સામેલ તમામ ખેલાડીઓ માટે બોલી લગાવવાની મર્યાદા નક્કી કરી હતી અને તેઓ તેનાથી વધુ બોલી લગાવતા ન હતા. જો કે તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને શબનીમ ઈસ્માઈલ જેવો અનુભવી ફાસ્ટ બોલરને પોતાની ટીમમાં સામેલ કરી છે. શબનીમ સાઉથ આફ્રિકાની મીડિયમ પેસ બોલર છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય અને T20 લીગનો બહોળો અનુભવ છે. મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 1.20 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને તે તેમનો ટોપ-પિક પણ છે.
દિલ્હી કેપિટલ્સ
આ મિની ઓક્શનમાં દિલ્હીની ટીમે 2.20 કરોડ રૂપિયા ખર્ચ્યા, માત્ર 3 ખેલાડીઓને ખરીદ્યા અને તેમાંથી 2 કરોડ રૂપિયા માત્ર એક ખેલાડી પર ખર્ચ્યા હતા. આ હરાજી બાદ દિલ્હીના પર્સમાં માત્ર 5 લાખ રૂપિયા બચ્યા હતા. દિલ્હીની હરાજી જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમને માત્ર એક જ ખેલાડીની જરૂર છે, જેનું નામ છે એનાબેલ સધરલેન્ડ. આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પછી ઘણી ટીમોએ તેના પર બોલી લગાવી હતી. અંતે દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કરી હતી. તેથી આગામી ટુર્નામેન્ટમાં દિલ્હીને આ ઓલરાઉન્ડર પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
યુપી વોરિયર્સ
યુપી વોરિયર્સની ટીમે આ મિની હરાજીમાં કુલ રૂ. 2.10 કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાં તેમણે તેમની ટીમમાં કુલ 5 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો, અને હજુ પણ તેમના પર્સમાં 1.90 કરોડ રૂપિયા બાકી હતા. યુપીએ ભારતીય અનકેપ્ડ બેટ્સમેન વૃંદા દિનેશ પર મોટો દાવ રમ્યો છે. યુપીએ 1.30 કરોડ રૂપિયા ખર્ચીને વૃંદાને પોતાની ટીમમાં સામેલ કરી છે અને આ તેમની ટોપ-પિક પણ છે. આ સિવાય યુપીને ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ડેની વ્યાટ પણ માત્ર 30 લાખ રૂપિયામાં મળી છે, જે આગામી ટૂર્નામેન્ટમાં તેમના માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
RCBએ આ WPL મિની હરાજીમાં કુલ રૂ. 2.30 કરોડનો ખર્ચ કર્યો છે, જેમાં તેમણે તેમની ટીમમાં કુલ 7 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે અને હજુ પણ તેમના પર્સમાં રૂ. 1.05 કરોડ બાકી છે. આ સમયગાળા દરમિયાન, RCBની ટોચની પસંદગી એકતા બિસ્ટ હતી, જેના માટે ટીમે 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, આ હરાજીમાં RCB માટે સૌથી ખાસ ખેલાડી જ્યોર્જિયા વેરહેમ હતી, જેને ટીમે 40 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. જ્યોર્જિયા ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર છે અને તે ચોક્કસપણે RCB માટે મેચ વિનર બની શકે છે.
ગુજરાત જાયન્ટ્સ
ગુજરાત જાયન્ટ્સની ટીમે આ હરાજીમાં કુલ રૂ. 4.50 કરોડનો ખર્ચ કર્યો છે અને હજુ પણ તેમના પર્સમાં રૂ. 1.45 કરોડ બચ્યા છે. ગુજરાતની ટીમે આ મિની ઓક્શનમાં કુલ 10 ખેલાડીઓને ખરીદ્યા છે, પરંતુ આ ટીમે સૌથી વધુ પૈસા ભારતના એક યુવા ખેલાડી પર લગાવ્યા છે, જેનું નામ છે કાશવી ગૌતમ. કાશવી ગૌતમ ઓલરાઉન્ડર છે અને તેને ગુજરાતે 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ટીમને તેના મોંઘા અને યુવા ખેલાડી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.


