- હિટ એન્ડ રનની ઘટના
- એસજી હાઈવે પર દુર્ઘટના
- કારચાલકે અડફેટે લેતા યુવકનું મોત
અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના નોંધાવા પામી છે. મહત્વનું છે કે આ ઘટનામાં કારચાલકે હાઈકોર્ટ સામેના બ્રિજ પર એક યુવાનને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.
હાલમાં અમદાવાદમાં એક્સિડન્ટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, બેફામ ડ્રાઈવિંગ અને ઓવરસ્પીડિંગના કારણે ઘણીવાર નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. અવાર નવાર માસૂમોના લોહી રેડાય છે, ત્યારે વધુ એક વખત એસ જી હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક કારે યુવકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
સરખેજ ગાંધીનગર હાઈવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી 15 દિવસ પહેલા જ આવેલા યુવકને કારચાલકે કચડી નાખ્યો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકની ટ્રાફિક પોલીસે અટકાયત કરી હતી.
મહત્વનું છે કે આ અગાઉ પણ ઘણીવાર એસજી હાઈવે પર અકસ્માતની અનેક ઘટનાઓ બનવા પામી છે અને અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ત્યારે આ ઘટનાઓને નિયંત્રિત કરવા માટે પોલીસ વધુ કડક પગલા ભરે તે સમયની માગ છે.