‘પ્રયાસ’ એસોસિએશન દ્વારા દિવ્યાંગ બાળકોને દિવાળીની અનોખી ભેટ: ‘તારક મહેતા…’ના કલાકારોને મળીને બાળકો ખુશખુશાલ
ફિલ્મસિટીની મુલાકાત દરમિયાન જેઠાલાલ, સોઢી અને તારક મહેતા સહિતના પ્રિય પાત્રોને પ્રત્યક્ષ મળી બાળકોની વર્ષો જૂની ઈચ્છા પૂર્ણ થઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત રાજકોટની જાણીતી સંસ્થા ‘પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન’ દ્વારા આ દિવાળીના તહેવાર નિમિત્તે સંસ્થાના દિવ્યાંગ બાળકોને એક યાદગાર અને અનોખી સરપ્રાઈઝ ભેટ આપવામાં આવી હતી. સંસ્થાએ બાળકોની વર્ષો જૂની મનોકામના પૂર્ણ કરીને તેમને મુંબઈ સ્થિત પ્રસિદ્ધ ફિલ્મસિટીની ખાસ મુલાકાત કરાવી હતી.
આ પ્રવાસ દરમિયાન બાળકોને ઘર-ઘરમાં લોકપ્રિય અને દેશની નંબર-૧ ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગ સેટ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સંસ્થાના પૂજાબેન પટેલ તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં બાળકોએ ટીવી પડદાના પોતાના માનીતા કલાકારો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. દિવ્યાંગ બાળકોએ સીરિયલના મુખ્ય પાત્રો જેવા કે જેઠાલાલ, સોઢી, તારક મહેતા તેમજ ટપ્પુ સેનાના બાળ કલાકારો સાથે વિતાવેલી ક્ષણોથી અત્યંત હર્ષ અને આનંદ અનુભવ્યો હતો. કલાકારોએ પણ બાળકો સાથે પ્રેમપૂર્વક સમય વિતાવીને તેમની સાથે વાતો કરી હતી. પોતાના પ્રિય પાત્રોને રૂબરૂ મળીને બાળકોના ચહેરા પર એક અનોખી ચમક અને ખુશી જોવા મળી હતી. ‘પ્રયાસ’ એસોસિએશનના આ સુંદર અને સંવેદનશીલ પ્રયાસની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.


