- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
- સિરીઝમાં બંને ટીમોએ અત્યાર સુધી 1-1 મેચ જીતી
- ઈશાન કિશનની વાપસી અંગે રાહુલ દ્રવિડનું નિવેદન
આ દિવસોમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં બંને ટીમોએ અત્યાર સુધી 1-1 મેચ જીતી છે. ઈંગ્લેન્ડે સીરીઝની પ્રથમ મેચ જીતી હતી, તો બીજી મેચમાં ભારતીય ટીમે વાપસી કરી હતી અને શાનદાર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને આ ટેસ્ટ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તેના પરત ફરવા અંગે હજુ સુધી કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ફેન્સએ જાણવા માંગે છે કે ઈશાન કિશન અત્યારે ક્યાં છે અને તે ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. જે બાદ હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઈશાન કિશનની વાપસીને લઈને મોટી વાત કહી છે.
ઈશાન કિશનને રાહુલ દ્રવિડની ચેતવણી!
વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો હતો. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઈશાન કિશનની વાપસી અંગે મીડિયાને જણાવ્યું કે ઈશાન કિશનને ટીમમાં વાપસી કરવા માટે નિયમિતપણે ક્રિકેટ રમવાની જરૂર છે. ઈશાનને સતત રમવું પડશે. આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ ઈશાન કિશનના સતત સંપર્કમાં છે.
ઈશાન કિશન લાંબા સમયથી ટીમની બહાર
ઇશાન કિશન છેલ્લે ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો હતો. આ પછી ઇશાન કિશનને સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈશાન કિશને માનસિક તણાવને કારણે આ ટેસ્ટ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારથી ઈશાન કિશન ટીમ ઈન્ડિયાની બહાર છે. ચાહકોને આશા હતી કે ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સીરીઝ માટે ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે પરંતુ આ સીરીઝ માટે કેએસ ભરતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
અનુશાસનહીન હોવાના અહેવાલો હતા
ટીમ ઈન્ડિયામાંથી ઈશાન કિશનની હકાલપટ્ટી બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈશાન કિશનને BCCI દ્વારા ટીમમાં અનુશાસનહીનતા બદલ સજા કરવામાં આવી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ઈશાન કિશન ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર વધુ ફોકસ કરે છે. જેના માટે તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
આ પછી કોચ રાહુલ દ્રવિડે મીડિયાની સામે આ તમામ અહેવાલોને ફગાવી દીધા હતા. આ સિવાય રાહુલ દ્રવિડે પણ ઈશાન કિશનને રણજી ટ્રોફીમાં રમવાની સલાહ આપી હતી પરંતુ તે પછી પણ ઈશાન કિશન રણજી ટ્રોફી રમવા આવ્યો નહોતો. હવે ફરી એકવાર ઈશાન કિશનનો મુદ્દો ગરમાવા લાગ્યો છે. જે અંગે કોચ રાહુલ દ્રવિડે બધુ સ્પષ્ટ કરી દીધું છે.


