- 2.70 કરોડના ખર્ચે 5.90 કિ.મી. રોડનું કામ કરાશે
- આ માર્ગ પર દૈનિક હજારો વાહનોની અવરજવર રહે છે
- ગામના હજારો નાગરિકોને તેનો સીધો ફાયદો મળશે
ગાંધીનગર તાલુકામાં ટીંટોડાથી ભોયણ રાઠોડ થઈ કલોલ સુધી જોડતા રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવશે. 5.90 કિલોમીટર લંબાઈના આ રોડનું 2.70 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતજી ઠાકોર દ્વારા આ કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. આ માર્ગ પર દૈનિક હજારો વાહનોની અવરજવર રહે છે. જોકે રોડની કામગીરીને સાતેક વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 7 વર્ષથી સમતલ ન કરાયેલા હોય તેવા ડેરીમાર્ગ સહિતના માર્ગોને સમતળ કરવાની કામગીરી અંતર્ગત આ રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવશે. જેમાં 5.50 મીટર પહોળાઈમાં રિસર્ફેસિંગ તથા જરૂરી સ્ટ્રક્ચરનું કામ કરવામાં આવશે. જેમાં અંદાજે 2.70 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. 5.90 કિલોમીટરના આ રસ્તાનું નવીનીકરણ થતાં બંને ગામ અને આસપાસના ગામના હજારો નાગરિકોને તેનો સીધો ફાયદો મળશે.


