- ભાવિકોએ મંદિરમાં દર્શનનો લહાવો લઈને મેળા તરફ પ્રસ્થાન કર્યું
- મેળામાં ફજેત ફાળકા સહિત રમકડાં, ઘર વપરાશની ચીજવસ્તુઓની હાટડીઓ લાગી
- ખરીદી કરીને મેળાનો આનંદ જોવા મળ્યા હતા
નડિયાદ શહેરમાં મહા સુદ પૂનમના પારંપરિક મેળાના રવિવારે રજા હોઈ જીલ્લાભરના લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શનિવારે પુનમની મોડી રાત સુધી લોકોએ મેળાનો આનંદ માણ્યા બાદ રવિવારે રજાનો દિવસ હોઈ સવારથી જ મેળાનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. રવિવારે સવારથી જ લોકો મેળામાં ફરતા અને ખરીદી કરીને મેળાનો આનંદ જોવા મળ્યા હતા.
મેળામાં રવિવારે રજાનો દિવસ હોઈ મેળાની મોજ માણવાની તક નાગરીકો માણી હતી. સવારથી જ મેળામાં લોકો ઉમટી પડયા હતા. બસ મથકથી લઈને પારસ સર્કલ સુધીનો માર્ગ લોકોની અવરજવરથી સતત ધમધમતો રહ્યો હતો. શહેરની ગલીઓના સાંકળા રસ્તામાંથી જ મહત્તમ વાહન વ્યવહાર ચાલતો હોઈ ઠેરઠેર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા થતી જોવા મળતી પામી હતી. તેમાંય દિવસભર શહેર સહિત બંને જિલ્લા ગ્રામ્યમાંથી આવતાં લોકોની મેળામાં ભીડ જોવા મળી હતી. જ્યારે મોડી સાંજ પછી નડિયાદના સ્થાનિકો મેળામાં આનંદ માણતા જોવા મળતા હતા.
સ્થાનિકો સહિત અનેક નાગરિકોએ મેળાની ભરપૂર મજા માણી હતી. મેળામાં ગૃહસુશોભનની વસ્તુઓ, મોબાઈલ એસેસરીઝ, ઘર વપરાશની વસ્તુઓ, વાસણ, કપડા, રમકડા ઉપરાંત અનેક વસ્તુઓનું વેચાણ થતુ જોવા મળતુ હતુ. મેળામાં નાગરિકોએ ખાણીપીણીની મોજ માણી
મેળાની મજા માણવા માટે ઠેર ઠેરથી લોકો આવતા હોય છે. મેળામાં આવતા નાગરિકો નાસ્તાની પણ મજા માણતા હોય છે. મેળામાં મ્હાલવા આવતાં લોકોની માટે એકથી એક ચડિયાતા ખાદ્યપદાર્થોનું વેચાણ થાય છે. ગરમ પાપડીના લોટ, મકાઈ, સેન્ડવિચ, ફ્રુટ ડીશ, વડાપાઉ-દાબેલી, સોડા, પફ, બર્ગર, શેરડી રસ, લસ્સી, શરબત, ભેળ, પાણીપૂરી, ઢોંસા સહિતની અનેક વસ્તુઓનો સ્વાદ નાગરિકોએ મન મુકીને માણ્યો હતો.
મેળાના મેદાનમાં રાત્રિ સમયે રોશનીનું અનેરું આકર્ષણ મેળામાં વિવિધ રાઈડ્સને આકર્ષક રોશનીથી સજાવવામાં આવેલ હોઈ રાત્રિના સમયે મેળો માણવાની મજા જ અલગ હોય છે .બાળકોને પણ લાઈટીંગવાળી રાઈડ્સમાં બેસવાની ઈચ્છા રાખતા હોય છે અને તે પરીવાર સાથે તેનો આનંદ માણતા હોય છે. આકર્ષક લાઈટોથી મોટાભાગની રાઈડ્સ અને તેના આસપાસના પરિસરને સજાવવામાં આવ્યો છે. એથી રાત્રીના સમયે મેળાની રોનક કંઈક અલગ જ જોવા મળી રહી છે.


