- ડાંગના આહવા તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો
- અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં વરસાદ બની શકે છે વિલન
- શિયાળો પૂર્ણ થતાં થતાં વરસાદ કરશે પરેશાન
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે પછી આજે રાજ્યમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. આ સાથે જ ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. તેમજ આવતીકાલથી વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
ડાંગમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી હતી. આ સાથે જ આહવા તાલુકાના ગારખડી નજીક વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ શિયાળું પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી મુસબીત ભર્યા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યો છે.
રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. 1 થી 2 માર્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે, જેમાં 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં વરસાદની શક્યતા
જ્યાં એક તરફ 1 માર્ચના જામનગરમાં દુનિયાભરના સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ ઈવેન્ટ માટે પહોંચી રહ્યા છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 1 માર્ચે ગીરસોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
2 માર્ચથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ
જ્યારે 2 માર્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ દરમિયાન પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગરમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.
આ ઉપરાંત રાજ્યના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની અસર રાજ્યમાં જોવા મળી શકે છે. તેમજ 1 માર્ચથી 3 માર્ચ સુધી કમોસમી વરસાદનું ગુજરાતમાં સંકટ જોવા મળી શકે છે.


