- ગેનીબેને રેખાબેન ચૌધરીને પેરાશુટ ઉમેદવાર ગણાવ્યા
- ભાજપે રેખાબેન ચૌધરીને બનાસકાંઠાથી ઉતાર્યા છે મેદાને
- ભાજપમાંથી 70 દાવેદારોએ ટિકિટ માગી હતીઃ ગેનીબેન
લોકસભાના પ્રચાર દરમ્યાન કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરએ ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી પર કટાક્ષ કર્યો છે. પ્રચારની શરૂઆતમાં જ મહિલા ઉમેદવારો વચ્ચે જુબાની જંગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ભાજપે ડ્રોનથી એકદમ નવા જ ઉમેદવાર ઉતાર્યા છે.
ગેનીબેને રેખાબેન ચૌધરીને પેરાશુટ ઉમેદવાર ગણાવ્યા હતા. બનાસકાંઠામાં લાખણીના ધુણસોલની સભામાં ગેનીબેને નિવેદન આપતાં કહ્યું કે, ભાજપમાંથી 70 દાવેદારોએ ટિકિટ માગી હતી. પણ ભાજપે એમાંથી કોઈ નઈ પરંતુ ડ્રોનથી ઉતાર્યા હોય તેમ જેમણે ભાજપ સાથે કે રાજનીતિ સાથે કઈ લેવાદેવા જ નથી તેવા ઉમેદવાર ઉતારી દીધા છે.
અમારા કોઈ દાદા નથી : ગેનીબેન
બનાસકાંઠા લોકસભા બેઠક પર વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. ગેનીબેહન ઠાકોર દ્વારા ટિકિટની જાહેર થતા જ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આજે લાખણીના ધુણસોલમાં આયોજીત સભાને સંબોધતા ગેનીબહેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર પ્રહાર કર્યા હતા. જો કોઈ બહારના લોકો અહીં આવીને દાદા થવા માગતા હોય તો તેને હું કહેવા માંગું છું કે, અમારી માટે તો બે જ દાદા છે. એક હનુમાન દાદા અને બીજા ગણપતિ દાદા. બાકી બીજા અમારા કોઈ દાદા નથી. કોઈપણ દાદા થવા માગતા હોય તો તમારા મગજમાંથી જે કંઈ હોય તે કાઢી નાખજો.
બનાસકાંઠામાં લોકસભાનો જંગ જામ્યો
લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ ચૌધરીના પૌત્રી રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે.


