ભારત સરકારે દેશને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ (New EV Policy) મંજૂર કરી છે. નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે.
ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (New EV Policy) ને મંજૂરી આપી છે. નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે. આ માટે, તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે.
જે કંપનીઓ આ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તેમને 35,000 ડોલર અને તેથી વધુની કિંમતની કાર પર 15% ની ઓછી આયાત જકાત સાથે દર વર્ષે 8,000 ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારત આયાતી કાર પર તેમની કિંમતના આધારે 70% અથવા 100% ટેક્સ લાદે છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પગલાથી નવીનતમ ટેકનોલોજી સુધી પહોંચવાની અને EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવાની અપેક્ષા છે. આયાત કરી શકાય તેવા ઈલેક્ટ્રિક વાહનો પરની ડ્યુટી મુક્તિ વાર્ષિક PLI પ્રોત્સાહન (રૂ. 6,484 કરોડ) અથવા મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણ સુધી મર્યાદિત છે, જે ઓછું હોય છે.


