અમરેલી જિલ્લાના મોટા લીલીયા પાસેથી એલપીજી ભરેલા ટેન્ક વેગન સાથેની ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક ટેન્ક વેગનમાંથી ગેસ લીક થતા દોડધામ મચી છે. ટેન્ક વેગનમાંથી ગેસ લીક થતો હોવાની જાણ થતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં એલપીજી ભરેલા 20 ટેન્ક વેગન જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પહોંચી ચૂકી છે. આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તો બીજી તરફ લિકેજને બંધ કરવા માટે પીપાવાવ પોર્ટથી ટેક્નિકલ ટીમને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી છે.
અમરેલી કલેકટર અજય દહીંયાએ કહ્યું હતું કે, એલપીજી ગેસ લીક થવાની ઘટના બની છે. ફાયરની ટીમ ઘટનાસ્થળ પર છે અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દીધો છે. જ્યારે ફાયર વિભાગના ઓફિસરે કહ્યું હતું કે, અમારી ટીમ ઘટનાસ્થળ પર છે. જે ટ્રેન છે તેમાં 20 ટેન્ક વેગન જોડાયેલા છે. પીપાવાવ પોર્ટની ટેક્નિકલ ટીમ પણ પહોંચી રહી છે.
અમરેલી: મોટા લીલીયા પાસે એલપીજી ભરેલા ટ્રેનના ટેન્ક વેગનમાંથી ગેસ લીક થયો


