આપનો ડેટા આપણે જ ઊભો કરવો પડશે
પેજ પ્રમુખની કામગીરી ઉપર ભાર મૂકતાં ભાજપ પ્રદેશ પ્રમુખ
ક્ષત્રિય અગ્રણીઓ સાથે મુલાકાતમાં તખતો ગોઠવાયો
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આજે સવારે રાજકોટના પ્રવાસે આવી પહોંચ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાના તમામ બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ, મંડળના ઈન્ચાર્જ સાથે તેમની બેઠક સ્વામિનારાયણ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં તેમણે ફરી એક વખત પેજ પ્રમુખોને તેમના વિસ્તારની કામગીરી પર ભાર મૂકવા અપીલ કરી હતી.
સી. આર. પાટીલે ઉપસ્થિત કાર્યકરો અને અગ્રણીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણો ડેટા આપણે જ એકત્ર કરવો પડશે. ચૂંટણી મેનેજમેન્ટમાં પેજ પ્રમુખની પાયાની ભૂમિકા અંગે તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેર અને જિલ્લાના કાર્યકરોને ચૂંટણી કામગીરી અંગે સજ્જ થઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે. તેમાં રાજકોટ-સુરેન્દ્રનગરમાં તેમના જુદા-જુદા ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ પેજ પ્રમુખો સાથે સ્વામિનારાયણ મંદિરમાં બેઠક, પત્રકારો સાથે મિલનના કાર્યક્રમ રાજકોટ ખાતે હતા. સુરેન્દ્રનગર ખાતે બપોર બાદ બુથ કાર્યકર્તાઓનું સંમેલન યોજાનાર છે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે, રાજકોટ લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલા જેવા હેવી વેઇટ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો લોકસંપર્ક શરૂ થઈ ગયો છે. અને 50% ચૂંટણી પ્રચાર કાર્ય પૂર્ણ થઈ ગયાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ હજુ ઉમેદવાર પણ નક્કી કરી શકી નથી તેમ અગ્રણીઓએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું.


