- ACPહિમાલા જોષી રજા પરથી પાછા આવ્યા ત્યાં સુધી તેમની પૂછપરછ પણ નહીં
- રાજીવ મોદીને બચાવવા સોલા પોલીસે બારોબાર ક્લીનચીટ આપી દીધી
- કેસને લગતી એક ઓડિયો ક્લિપ મહિલા એસીપીની વાયરલ થઇ હતી
બલ્ગેરિયન યુવતીએ મહિલા એસીપી હિમાલા જોષી, નિવૃત ડીજીપી કેશવકુમાર સહિત અનેક વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. આટલુ જ નહીં, કેસને લગતી એક ઓડિયો ક્લિપ મહિલા એસીપીની વાયરલ થઇ હતી. જેની તપાસ તત્કાલિન સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડિયાએ શરૂ કરીને નિવૃત ડીજીપી સહિત અનેક પોલીસકર્મીઓ અને બલ્ગેરિયન યુવતીનું નિવેદન નોંધ્યુ હતુ. પરંતુ ચૂંટણીને કારણે સેક્ટર 1 નો ચાર્જ ચિરાગ કોરડીયા છોડયો હતો. બીજી તરફ,મહિલા એસીપી પણ મેડિકલ લીવ પૂર્ણ કરીને ફરજ પર હાજર થતાં તેમના સામેના આક્ષેપોની તપાસ હવે સેક્ટર 1 જેસીપી એન.એન.ચૌધરીએ શરૂ કરી છે. મહત્વનું છે કે, દુષ્કર્મ કેસમાં રાજીવ મોદીને બચાવવા માટે સોલા પોલીસે છ સમરી રીપોર્ટ ભરીને બારોબાર તેઓ નિર્દોષ હોવાની ક્લીનચીટ આપી દેતા પોલીસની તપાસ સામે અનેક શંકા કુશંકા સેવાઇ રહી છે.
કેડીલા ગૃપના CMD રાજીવ મોદી સામે બલ્ગેરીયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરવા માટે પહેલા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં મહિલા એસીપી હિમાલા જોષીએ સમગ્ર ઘટના સાંભળ્યા બાદ યુવતીને કહ્યુ કે, રાજીવ મોદીને તેના કર્મોની સજા મળશે તું શું કામ આ કેસને લાંબો ખેંચે છે તેમ કહીને ફરિયાદ નોંધી ન હતી. આ સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ સાથે બલ્ગેરિયન યુવતીએ હાઇકોર્ટમાં દ્વાર ખખટાવતા અંતે સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. બીજી તરફ, મહિલા એસીપી સામે થયેલા આક્ષેપની તત્કાલિક સેક્ટર 1 ચિરાગ કોરડીયા દ્વારા શરૂ કરી હતી. આ દરમ્યાન એસીપી હિમાલા જોષી તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટને કારણે તેઓ પણ રજા પર ઉતરી ગયા હતા. જે બાદ સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડીયાએ તત્કાલિન સોલા પીઆઇ, નિવૃત ડીજીપી કેશવકુમાર, મહિલા પોલીસ સ્ટેશનના કર્મીઓ તેમજ બલ્ગેરિયન યુવતીની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા હતા. જો કે, લોકસભાની ચૂંટણી જાહેરાત થતાં વતનનો જીલ્લો હોવાથી જેસીપી ચિરાગ કોરડીયાને ઇલેક્શન કમિશન દ્વારા તાત્કાલિક સેક્ટર 1નું પદ છોડવાનો આદેશ થતાં તેઓએ તાત્કાલિક છૂટા થયા હતા. જે બાદ એસીપી રજા પરથી હાજર થયા હતા પરંતુ તેમના સામેના આક્ષેપોની તપાસ આગળ વધારવા માટે ઇન્ચાર્જ જેસીપી એન.એન.ચૌધરીએ તમામ કેસ પેપરની વિગતો મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં એસીપી હિમાલા જોષીને નોટીસ પાઠવીને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.


