- અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચતા રસ્તાઓ સૂમસામ બન્યા
- પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આજે હીટવેવની આગાહી
- 9 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા યલો એલર્ટ જાહેર કરાયું
અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે મંગળવારે ગુજરાતનાં 9 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહુવામાં 43 ડિગ્રી તાપમાન થતાં લોકો ગરમીમાં શેકાયા હતાં. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી થતાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યાં હતા. સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં બુધવારના રોજ હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ 9 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સિવાય વડોદરામાં 42 ડિગ્રી, વલસાડમાં 41.2 ડિગ્રી, અમરેલીમાં 41.8 ડિગ્રી, પોરબંદરમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, મહુવામાં 43 અને કેશોદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના મોટાભાગના શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાનનો પારો ઉચકાતાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રવિવારના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ નોંધાતા મોટાભાગના શહેરનું તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી ગયું હતુ. પરંતુ આજે પારો 41 ડિગ્રીને પાર જતાં લોકો અકળાયા છે. મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પરો ઊંચકાતાં રાત્રે બફારો અને ઉકળાય વધ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને 27 ડિગ્રીએ પહોંચ્યું છે. આ સિવાય અન્ય મોટાભાગના શહેરનું તાપમાન 25 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.


