- કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ બન્યો નથી
- 25 ઉપરાંત સોસાયટીના અનેક લોકોની અવરજવર છે
- લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ પોલીસ સ્ટેશન પાછળની 12 જેટલી સોસાયટીના રહીશોએ 9 મીટરનો રોડ અને પાણીની વધુ પ્રેશરની માંગણી નહીં સંતોષવામા આવે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બેનર લગાવતાની સાથે જ પોલીસે ઉતારી લીધા હતા અને સ્થાનિકોએ પોતાની સોસાયટીમાં જઇ આ સમસ્યા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ બન્યો નથી
વાઘોડિયા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા, કમલાપાર્ક, દ્વારકેશ, પર્ણશિલ, આશ્રય, શ્યામલ રેસિડેન્સી, બંશરી વિગેરે 12 જેટલી સોસાયટીઓ સહિત અનેક સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓ ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ ઉપર આવેલી છે. આ રોડ 9 મિટરનો મંજૂર થયેલો છે. પરંતુ, કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ બન્યો નથી.
25 ઉપરાંત સોસાયટીના અનેક લોકોની અવરજવર છે
હાલમાં ક્રિષ્ણા કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ સુધીનો રોડ સાકળો હોવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો બને છે. આ રોડ ઉપર આવેલી 25 ઉપરાંત સોસાયટીના અનેક લોકોની અવરજવર છે. હાલમાં કોર્પોરેશન દ્વારા સાનિધ્ય ટાઉનશિપથી ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ સુધી નવો રોડ બનાવવાનુ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ રોડ હયાત સાકડા રોડ ઉપર જ બનાવવામાં આવી રહ્યો છે. તેની સામે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોની માગ છે કે આ રોડ પહોળો કરીને એટલે કે 9 મિટરનો મંજૂર થયેલ છે તે મુજબનો આપવા અમારી માંગ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પાણીની પણ વિકટ સમસ્યા છે. પુરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાથી લોકોને વેચાતું પાણી લાવવાની ફરજ પડે છે. પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરી આ સોસાયટીઓમાં પાણી પુરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી. અને જે પાણી આવે છે તે પુરતા પ્રેશરથી આવતું નથી.


