ઉનાના ખડા દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદે રેતી વહન કરતું ટ્રેક્ટર ઝડપાયું
ખાણ-ખનિજ વિભાગની ટીમે રૂ. 5 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો, વિવિધ વિસ્તારોમાં હાથ ધરાઈ તપાસ
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ઉના તાલુકામાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખડા દરિયાઈ વિસ્તારમાંથી સાદી રેતીનું ગેરકાયદે વહન કરતું એક ટ્રેક્ટર ઝડપાયું હતું. વિભાગની ટીમે અંદાજે રૂ. 5 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ખાણ અને ખનિજ વિભાગની ટીમદ્વારાઉનાતાલુકાનાઓલવાણ ગામે લીઝ ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેલિફોનિક ફરિયાદના આધારે ઉંટવાડા, પસવાડા, નાંદરખ, નેસડા સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ સ્થળોએ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનું અનધિકૃત ખનન કે ખનિજનું ગેરકાયદે વહન ચાલુ હોવાનું જણાયું નહોતું.
દરમિયાન વધુ એક ટેલિફોનિક ફરિયાદના આધારે સેંજલિયા-ખડા, કાળાપાણ અને નવા બંદર વિસ્તાર સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખડા દરિયાઈ વિસ્તારમાંથી સાદી રેતીનું વહન કરતું ટ્રેક્ટર મળી આવતાં વિભાગની ટીમે તેને ઝડપી પાડી અંદાજે રૂ. 5 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
ઝડપાયેલા ટ્રેક્ટરનો નંબર GJ-32-AA-5036 હોવાનું અને તેના માલિકનું નામ મુકેશભાઈ કાળુભાઈ બાંભણીયા (રહે. ખડા, તા. ઉના) હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે. આ મામલે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ તપાસ કામગીરીમાં ડી.કે. ગૌસ્વામી, જે.એન. રામદત્તી અને એન.એન. વરમોરા (માઇનિંગ સુપરવાઇઝર), એમ.જે. મોદી (સર્વેયર), કાનભાઈ (સિક્યુરિટી ગાર્ડ) તથા રમેશભાઈ (ડ્રાઇવર) જોડાયા હતા.


