પર્યાવરણ સંરક્ષણ તરફ પશ્ચિમ રેલવેનું પ્રશંસનીય કદમ
રાજકોટ ડિવિઝનના ચાર રેલવે સ્ટેશનો પર મુકાયા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો
રાજકોટ, ભક્તિનગર, જામનગર અને દ્વારકા રેલવે સ્ટેશન પર સીએસઆર (CSR) યોજના હેઠળ મશીનો સ્થાપિત કરાયા : ખાલી પ્લાસ્ટિક બોટલોને ક્રશ કરીને કદ નાનું કરાતા કચરાના એકત્રીકરણ અને નિકાલમાં સરળતા રહેશે
અગ્ર ગુજરાત,
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) યોજના હેઠળ ડિવિઝનના ચાર મુખ્ય રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ અને ભક્તિનગર રેલવે સ્ટેશન પર બે મશીનો તેમજ જામનગર અને દ્વારકા રેલવે સ્ટેશન પર બે મશીનો સહિત કુલ ચાર મશીનો મૂકવામાં આવ્યા છે. આ મશીનોની મદદથી મુસાફરો દ્વારા ઉપયોગમાં લેવાયેલી ખાલી પ્લાસ્ટિકની બોટલોને ક્રશ કરીને તેનું કદ નાનું કરી દેવામાં આવશે. જેના કારણે પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવામાં, તેના પરિવહનમાં તેમજ આગળના વૈજ્ઞાનિક નિકાલમાં મોટી સુવિધા રહેશે. આ વ્યવસ્થાથી સ્ટેશન પરિસરમાં પ્લાસ્ટિકનો ફેલાવો અટકશે અને મુસાફરોમાં પણ કચરાના યોગ્ય નિકાલ પ્રત્યે જાગૃતિ આવશે.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “રેલવે સ્ટેશનોને સ્વચ્છ અને પર્યાવરણ-અનુકૂળ બનાવવા માટે રાજકોટ ડિવિઝન સતત પ્રયત્નશીલ છે. પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે.” તેમણે તમામ મુસાફરોને આ મશીનોનો વધુમાં વધુ ઉપયોગ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ રેલવે પરિસરના નિર્માણમાં સહયોગ આપવા ખાસ અપીલ કરી છે.


