- પ્રથમ તબક્કામાં ખર્ચના હિસાબો રજૂ ન કરનાર 4 અપક્ષ સહિત પ ઉમેદવારોએ બીજા તબક્કામાં હિસાબો રજૂ કર્યા
- ત્રીજા અને અંતિમ તબક્કાનો ખર્ચ હવે તા. 3જી મેના રોજ રજૂ કરવાનો રહેશે
- ચૂંટણી જંગમાં કરેલ ખર્ચની વિગતો ચૂંટણી ખર્ચમાં ત્રણ તબક્કામાં રજૂ કરવાની હોય
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં સાંસદ બનવા બે મુખ્ય રાજકીય પક્ષના સહિત કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ચૂંટણી વિભાગના નિયમ મુજબ ફોર્મ ભરતાની સાથે જ આ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં કરેલ ખર્ચની વિગતો ચૂંટણી ખર્ચમાં ત્રણ તબક્કામાં રજૂ કરવાની હોય છે. જેમાં 14 ઉમેદવારોએ તા. 24મી અને 29મી એપ્રીલ તથા 3જી મેના રોજ હિસાબો રજુ કરવાના છે. ત્યારે બીજા તબક્કામાં ચૂંટણી લડતા દરેક ઉમેદવારોએ હિસાબો રજૂ કર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર કરતા 4 ગણો વધુ ખર્ચ દર્શાવ્યો છે.
સુરેન્દ્રનગર બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે. મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે હાલ ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી વિભાગના નિયમ મુજબ ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દરેક ઉમેદવારે કરેલા ખર્ચના હિસાબો રાખવાના હોય છે. ફોર્મ ભરતાની સાથે જ ખર્ચનું ચક્કર પણ ચાલુ થઈ જાય છે. સુરેન્દ્રનગર બેઠકના 14 ઉમેદવારોએ તા. 24 એપ્રીલ, તા. 29 એપ્રીલ અને 3જી મેના રોજ ખર્ચના હિસાબો ચૂંટણી પંચે નીમેલ ખર્ચના નિરીક્ષક સમક્ષ રજૂ કરવાના હોય છે અને તે સમયસર રજૂ કરવાના હોય છે. ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દરેક ઉમેદવાર રૂ. 95 લાખ સુધીની મર્યાદામાં ખર્ચ કરી શકે તેવો ચૂંટણી વિભાગનો નિયમ છે. ત્યારે પ્રથમ તબક્કાના તા. 24મીના રોજ રજૂ થયેલા ખર્ચના હિસાબોમાં પ ઉમેદવારોએ હિસાબો રજૂ ન કરતા નોટીસ મળી હતી. જયારે તા. 29મીએ બીજા તબક્કામાં ચૂંટણી લડતા 14 ઉમેદવારોએ હિસાબો આપ્યા હતા. જેમાં કોંગ્રસના ઉમેદવારની સરખામણીએ ભાજપના ઉમેદવારે 4 ગણાથી વધુ ખર્ચ કર્યો છે. ખર્ચના હિસાબોમાં કોંગ્રેસના ઉમેદવારે 3,80,738 ખર્ચ બતાવ્યો છે. જેની સામે ભાજપના ઉમેદવારે 16,68,332 રૂપિયા ખર્ચ્યા છે. જ્યારે અંતીમ તબક્કાના હિસાબો તા. 3જી મેના રોજ રજૂ કરવાના રહેશે.


