સતત બે દિવસથી પોર્ટલમાં ખામી સર્જાતા અરજદારોને ધરમના ધક્કા : લાયસન્સ, ટેસ્ટ ડ્રાઇવીંગ સહિતની કામગીરી અટકી પડી : આવતીકાલે શરૂ થવાની સંભાવના
રાજકોટ સહિત રાજયભરની આરટીઓ કચેરીમાં પોર્ટલ ગઇકાલથી ઠપ્પ થઇ જતાં તમામ કામગીરીઓ અટકી પડી હતી. લાયસન્સ, ટેસ્ટ ડ્રાઇવીંગ સહિતની કામગીરીઓ ખોરવાઇ પડી હતી. લાયસન્સ અને ટેસ્ટ ડ્રાઇવીંગ માટે દૂર-દૂરથી આવેલા અરજદારોને ધરમધક્કો થયો હતો. આવતીકાલ સુધીમાં ફરી પોર્ટલ કાર્યરત થશે તેવું જણાવવામાં આવ્યું છે. અગાઉ પણ અનેક વખત પોર્ટલ ઠપ્પ થઇ જવાના બનાવો બન્યા છે ત્યારે વારંવાર સર્જાતી ક્ષતીથી અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.
આ સેવા માત્ર કોઈ એકાદ જિલ્લામાં નહીં પરંતુ, સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠપ્પ થઈ છે. સરકાર અનેક ઓનલાઈન સેવાઓ કેન્દ્રીય ધોરણે ચલાવે છે અને ખોટકો સર્જાયા પછી ટેકનોસેવી અફ્સરો તેને સમયસર પુનઃ કાર્યાન્વિત પણ કરી શકતા નથી. થોડા દિવસો પહેલા આ જ રીતે ટેસ્ટીંગ ટ્રેક અઠવાડિયા સુધી બંધ રહ્યા હતા અને લોકોએ પરેશાની વેઠવી પડી હતી. અન્ય સેવાઓમાં પણ સર્વર ધીમા પડવા કે બંધ પડવા જેવા પ્રશ્નો સર્જાતા હોય છે.
રાજકોટ મહાપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા 5.60 લાખ મિલ્કતધારકો પાસેથી ટેક્સ વસુલાત ઓનલાઈન વર્ષોથી કરે છે પરંતુ, તેમાં સ્થાનિક ધોરણે જ સોફ્ટવેર ડેવલપ થયા હોય ભાગ્યે જ કોઈ ફોલ્ટ આવે છે અને ફોલ્ટ આવે તો થોડા કલાકોમાં તે રિપેર કરી લેવાય છે ત્યારે સરકારમાં યુધ્ધના ધોરણે આ ફોલ્ટ રિપેર કેમ નથી થતો તે સવાલ આજે ધોમધખતા તાપમાં હેરાન થતા લોકોએ કર્યો હતો.


