- 640 બોટલ દારૂ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
- જેની કિંમત રૂ. 87,860, કારના 10 લાખ સહિત કુલ રૂ. 10.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
- તેમજ ગુનામાં સંડોવાયેલા બુટલેગર તત્વો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ડોળીયા-મૂળી હાઇવે પર વહેલી સવારના સમયે પુરપાટ જતી કાર રોડ પાસેના ખાડામાં ખાબકી હતી. આજુબાજુના લોકો ધડાકાનો અવાજ સાંભળીને ત્યાં દોડી ગયા હતા અને જોતા તેમાં પેટીઓમાં તેમજ છૂટો વિદેશી દારૂનો જથ્થો ભરેલો જોવા મળતા કોઇએ પોલીસને જાણ કરી હતી.
ડોળીયા નજીક દારૂ ભરેલી કાર અકસ્માતની જાણ થતા સાયલા પોલીસના અજયભાઇ બુધેલીયા, સુરેશભાઇ ભરવાડ, ભુરાભાઇ સહિતનાઓ ત્યાં દોડી ગયા હતા અને ખેતરની વાડમાં ખાડામાં ઘૂસેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. કારના અકસ્માત બાદ બુટલેગર ચાલક તુરંત ત્યાંથી ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારનો કબજો લઇ તપાસતા અંદર ભરેલા દારૂની કેટલીયે બોટલ ફૂટી જતા આલ્કોહોલની તીવ્ર વાસ આવી રહી હતી. પોલીસે કારની અંદર જોતા સીટ, બોનેટ તથા એરબેગ પર લોહીના નિશાન જોવા મળતા બુટલેગરને શારીરિક ઇજાઓ થવા છતાં પકડાવાની બીકે ત્યાંથી નાસી છૂટયો હોવાનું અનુમાન લગાવાયું હતું. સવારના સમયે થયેલ કાર અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા કેટલાક સુરાના શોખીનો દ્વારા ઈંગ્લિશ દારુની બોટલો પર હાથ અજમાવ્યો હોવાની પણ ચર્ચાઓ થતી જોવા મળી હતી.પોલીસે ક્રેઇનની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢી તપાસ કરતા તેમાંથી 640 બોટલ ઈંગ્લીશ દારુનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 87,860, કારના 10 લાખ સહિત કુલ રૂ. 10.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અકસ્માત થયેલ કારમાં રાખેલો જથ્થો કોણે મોકલ્યો હતો, કોને આપવાનો હતો તે તો આગામી સમયમાં તપાસ દરમિયાન જ બહાર આવી શકશે. ત્યારે પોલીસે બિનવારસી કાર, દારુનો જથ્થો જપ્ત કરી ફરાર તેમજ ગુનામાં સંડોવાયેલા બુટલેગર તત્વો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


