જીલ્લામાં કોચિંગ ક્લાસીસો, રિસોર્ટ, હંગામી સ્ટ્રક્ચર અને આનંદ મેળા, ગેમ ઝોન, ગેસ્ટ હાઉસો, હોસ્પિટલો જેવા જાહેર સ્થળોએ કલેકટરે તપાસના આદેશ કર્યા
જીલ્લાના તંત્રએ એકશન મોડમાં આવીને લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ સઘન તપાસ હાથ ધરી
રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ જીલ્લાનું વહીવટી તંત્ર પણ એકશનમાં આવ્યુ હોય તેમ જિલ્લામાં આવેલ મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો, ગેમઝોન, હોસ્પિટલો, કોંચીગ કલસીસો સહિતના જાહેર સ્થળો ઉપર લોકોની સુરક્ષા અને ફાયર સેફટી અંગે જીલ્લા કલેક્ટરની સુચનાથી જુદા જુદા અધિકારીઓએ ટીમો સાથે ચેકિંગ હાથ ધર્યુ છે. જેમાં વેરાવળ બાયપાસ પર આવેલ ફોનિક્સ તેમજ સાચી મલ્ટિપ્લેક્સ સિનેમામાં ફાયર સેફટી મુદ્દે ગેરરીતિ સામે આવતા બંન્ને સિનેમાઘરોને તંત્રએ સીલ મારી દીધા છે.
આ અંગે માહિતી આપતા અધિક કલેક્ટર રાજેશ આલએ જણાવેલ કે, જીલ્લામાં ગેમઝોન અને મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરોમાં તંત્ર દ્વારા ફાયર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વેરાવળ બાયપાસ પર આવેલ ફોનિક્સ મલ્ટિપ્લેક્સ સિનેમાઘરમાં તપાસમાં ફાયર સેફ્ટીને લઈ અનેક ખામીઓ સામે આવી હતી. જેમાં સિનેમાને તા.15/04/2025 સુધી રીન્યુ થયેલ ફાયર સેફટી અંગેનું સર્ટીફીકેટ 15 દિવસમાં સિનેમા બિલ્ડીંગમાં જોકી પંપ મુકવાની શરત સાથે રીઝનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસ, ભાવનગર દ્વારા આપવામાં આવેલ પરંતુ સ્થળ ખરાઈ દરમ્યાન બિલ્ડીંગમાં જોકી પંપ ન હોય તથા ફાયરને લગતી કન્ટ્રોલ પેનલ બંધ હાલતમાં હોય ઉપરાંત ફાયર પંપ લગાવેલ ન હતો. પંપની પેનલ તથા સિનેમાની ફાયર આલાર્મ બંધ હાલતમાં હતો. ફાયરના ઉપકરણોને ચલાવવા બાબત સ્ટાફ તાલીમબધ્ધ ન હતો, દરેક ફલોર ઉપર આપત્તી સમયે બહાર નિકળવા માટે કોઈ ઈવેકયુશન પ્લાન તૈયાર કરવામાં આવેલ ન હતો. લીફટમાં મેઈનટેનન્સ માટે સેફટી જોગવાઈઓની આધિન કોઈ પ્રમાણપત્ર ન હોય, ડિઝલ જનરેટર સેટમાં અર્થિગ યોગ્ય રીતે આપવામાં આવેલ ન હોવા જેવી અનેક ખામીઓ હતી. આવી જ રીતે સાંચી સિનેમામાં સક્ષમ સતાધિકારીનું ફાયર સેફટી અંગેનું એન.ઓ.સી. રજુ થયેલ ન હોય જેથી બંન્ને સિનેમાને સીલ કરવામાં આવેલ છે. આમ, જિલ્લામથક વેરાવળ સહિતના શહેરોમાં ફાયર સેફ્ટી મુદ્દે જવાબદાર સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.
વધુમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ અને જીલ્લાની તમામ હોસ્પિટલોમાં નિયમો મુજડ બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે કેમ ? ફાયર સેફ્ટી માટેના જરૂરી સાધનો, ઉપકરણો છે કે કેમ ? સહિતના તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસણી કરવા સિવિલ હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર અને ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓની ટીમને તપાસ કરવા આદેશ કરેલ છે. ઉપરાંત જિલ્લામાં આવેલ તમામ કોચિંગ ક્લાસીસો, રિસોર્ટ, હંગામી સ્ટ્રક્ચર અને આનંદ મેળા, ગેમ ઝોન, ગેસ્ટ હાઉસ સહિતના તમામ જાહેર સ્થળોએ લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી તમામ પાસાઓને લઈ સઘન તપાસ હાથ ધરવા તમામ અધિકારીઓને સૂચના આપેલ છે.


